
વીરસોડા ગામે કૂતરાને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવારના પગલાં – કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જીવદયા ટ્રસ્ટ અમદાવાદ ખસેડાયો
જોટાણા તાલુકાના વીરસોડા ગામમાંથી આજે એક દુઃખદ ઘટના સામે આવી હતી જ્યાં અજ્ઞાત વ્યક્તિએ એક નિર્દોષ કૂતરાને માથાના ભાગે ધોકો મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આ અંગેની જાણકારી મળતાં જ સનાતન ધર્મ ગૌશાળાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
જ્યાં પહોંચી ટીમે જોયું કે કૂતરાને આંખ પાસે ગંભીર ઈજા થઈ હતી અને તેનું તાત્કાલિક ઈલાજ જરૂરી બન્યો હતો. તત્કાલે મહેસાણા એનિમલ હેલ્પલાઇનના કિરણ રાવતને માહિતી આપવામાં આવી. તેમણે ઘટનાને ગંભીરતાથી લઈ મહેસાણા કલેક્ટરશ્રીને માહિતી આપી.
કલેક્ટરશ્રીએ ત્વરિત કાર્યવાહીની માગણી કરતા જ પ્રાંત અધિકારીશ્રી, જોટાણા મામલતદારશ્રી તેમજ વીરસોડા તલાટીશ્રીની ટીમે ઘટના સ્થળે પહોંચી જતાં અને સંકલિત પ્રયત્નો દ્વારા ઈજાગ્રસ્ત કૂતરાને જીવદયા ટ્રસ્ટ, અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ સેવા અને સહકાર બદલ કિરણ રાવત તથા સનાતન ધર્મ ગૌશાળાની ટીમે મહેસાણા કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, જોટાણા મામલતદારશ્રી અને વીરસોડા તલાટીશ્રિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.