logo

સમય વિત્યા બાદ જિ.પં.ના મહિલા પૂર્વ પ્રમુખના પતિ ગોપાલ ચાવડાનું ટેન્ડર મંજૂર કરાતા વિવાદ

ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના કામો માટે 33 લાખના ટેન્ડર મામલે રજૂઆત

- ગટર, પાણી, બ્લોકના કામો માટેનું ટેન્ડર મંજૂર કરાતા ભાજપના જિલ્લા પંચાયતના સભ્યએ ગેરરીતિના આક્ષેપ સાથે તપાસની માગણી કરી

આણંદ : ઉમરેઠના સુંદલપુરા ગામના વિકાસ માટે આણંદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કપિલા બહેન ચાવડાના પતિ ગોપાલ ચાવડાનું ૩૩ લાખના ટેન્ડર સમય વિત્યા બાદ ગ્રામ પંચાયતે મંજૂર કરતા વિવાદ સર્જાયો હતો. ગટર, પાણી, બ્લોકના કામો માટે ટેન્ડરમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ ભાજપ શાસિત જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય રમેશ ઝાલાએ તપાસ કરવાની માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી છે.
ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ પંચાયતમાં 15 મા નાણાપંચ હેઠળ ગટર, પાણી બ્લોકના કામો માટે ગ્રામ પંચાયતે જાહેરાત આપીને ટેન્ડર મંગાવ્યા હતા.

ટેન્ડર ભરવાની છેલ્લી તા. ૨૯ એપ્રિલ ૨૦૨૫ હતી. તે દરમિયાન ઓછા ભાવ ધરાવતા આઠ ટેન્ડરો આવ્યા હતા. ટેન્ડર ભરવાની તારીખ વીતી ગયા બાદ તા. ૧ મે ૨૦૨૫ના રોજ આણંદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કપિલાબહેન ચાવડાના પતિ ગોપાલભાઇ ચાવડાનું ટેન્ડર આવ્યું હતું.આ ગોપાલભાઇ ચાવડાનું ૩૩ લાખનું ટેન્ડર ગ્રામ પંચાયતના સત્તાધિશોએ મંજૂર કરી દીધું હતું અને સરકારી ગ્રાન્ટનો દૂરપયોગ કર્યો હોવાની ફરિયાદ ઉઠી હતી.

36
2334 views