નાર ગામના 3 યુવકો પાસેથી વિઝા માટે રૂ. 15 લાખ પડાવ્યા
આણંદ : આણંદ પાસેના મોગરી ગામના પિતા- પુત્રએ નાર ગામના બે યુવકોને વર્ક પરમિટ તથા વિઝીટર વિઝાના બહાને રૂપિયા ૧૫ લાખ નો ચૂનો ચોપડતા બંને વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પેટલાદ તાલુકાના નાર ગામના ગીરીશભાઈ રમણભાઈ મકવાણાના ભાઈ વિજયભાઈએ વર્ષ ૨૦૨૩માં સોશિયલ મિડીયા ઉપર જાહેરાત જોઈ વિદ્યાનગરની જનતા ચોકડી ખાતે આવેલી ઓફિસમાં વિઝા માટે ગયાં હતાં. આ દરમિયાન ઓફિસમાં હાજર આણંદ પાસેના મોગરી ગામના સુનિલ મદનલાલ શેઠીયા તથા તેમનો પુત્ર ધામકને બે યુવકોના કેનેડાના વર્ગ પરમીટ વિઝા તથા અન્ય એકના યુએસના વિઝીટર વિઝાની વાત કરતા તેઓએ ફી નક્કી કરી હતી. બાદ ગીરીશભાઈ તથા તેના ભાઈ વિજય અને એક મિત્રએ ટૂકડે ટૂકડે કરીને બંને શખ્સોને કુલ ૧૫ લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં તેઓને વર્ક વિઝા કે વિઝીટર વિઝા ન મળતા ગીરીશભાઈએ વિદ્યાનગર પોલીસ મથકમાં બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.