
ડભોલીમાં પતરાના શેડમાં ઓનલાઇન કું.ના 6 ગોડાઉન અને બેકરીમાં આગ ભડકી- બંધ ગોડાઉનમાં લાગેલી ભિષણ આગ આગળ આવેલા મનિષ માર્કેટની બેકરી સુધી પહોંચી : ફાયર બ્રિગેડે ૧૧ કલાકે કાબૂમાં લીધી
સુરત :
સુરતના ડભોલી વિસ્તારમાં પતરાના શેડમાં ઓનલાઇન કંપનીના ૬ થી ૮ ગોડાઉનમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા બેકરી ઝપેટમાં આવી જતા અફડાતફડી મચી જવા પામી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ડભોલી ખાતે આવેલ મનીષ માર્કેટમાં બી ફોર બેકર્સ નામની બેકરી આવેલી છે અને બેકરીની પાછળના ભાગે એકજ લાઈનમાં પતરાના શેડ બનાવેલામાં ઓનલાઇન કંપનીના વિવિધ ચીજવસ્તુઓ સહિતનો માલસામાન મુકવા માટે કેટલાક ગોડાઉન આવેલા છે. શુક્રવારે મોડી રાત્રે એક બંધ ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા એક પછી એક ૬ થી ૮ જેટલા ગોડાઉન આગની લપેટમાં આવી જતા ભડભડ સળગવા લાગ્યા હતા. ભીષણ આગને લીધે દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડો દેખાવા લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરી ૧૩ ફાયર સ્ટેશનથી ૨૦ ગાડી અને ૯૦ થી વધુ લાશ્કારોનો કાફલા સાથે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી છ કલાકે આગ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ કુલીંગ કામગીરી મળીને ૧૧ કલાક બાદ આગ પર સંપુર્ણ કાબૂ મેળવાયો હતો. આગના લીધે બેકરીમાં એ.સી,પંખા, ઓવન, પેકિંગ મશીન, ધી-તેલના ડબ્બા, વિવિધ સામાન અને પતરાના શેડમાં પ્લાસ્ટીકનો સામાન, બોક્સ, મોબાઇલની એસેસરીઝ , રબરના પગ લુછણીયા,વાયરીંગ,ફ્લેમેંબલ મટીરીયલ, પંખા, ટેબલ,ખુરશી સહિતના માલ સામાનને નુકલાન થયુ હતુ. આ બનાવમાં કોઈ ઇજા જાનહાની થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.