
પ્રેસ નોટ
*"UCC એ બંધારણીય વચન છે. તે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી."*
સીમા જાગરણ મંચ, કર્ણાવતી દ્વારા “સમાન નાગરિક ધારો શા માટે? "Why Uniform Civil Code" વિષય પર એક કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના વેદ વ્યાસ શિક્ષણ સંકુલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં “યુનિફોર્મ સિવિલ કોડ” તેના મહત્વ અને ભારતના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં સામાજિક અને ન્યાયિક એકતા માટે તેની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ જામનગરના ધારાસભ્ય માનનીય શ્રીમતી રીવાબા જાડેજાએ આ અવસરે જણાવ્યું હતું કે, સમાજમાં લોકોને સમાન જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. તેનું રક્ષણ આપણા બંધારણ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ જુદા જુદા ધર્મ પ્રમાણે પણ અમુક કાનૂન ચાલી રહ્યા છે ત્યારે સૌને સમાન હક મળી રહે તે માટે UCC ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિક્રમભાઈ દેસાઈએ પોતાના પ્રવચનમાં સમાન નાગરિક ધારાના તમામ પાસાઓ ઉપર વિસ્તારથી વાત કરતા જણાવેલ હતું કે, આર્ટીકલ-44 મુંશી થી મોદી સુધી જોડાયેલ છે. UCCનો મુસદ્દો તૈયાર કરનાર કનૈયાલાલ ગુજરાતી હતા અને UCCનો અમલ કરાવનાર મોદીજી પણ ગુજરાતી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ કાનૂનનો સૌથી વધુ પ્રભાવ મહિલાઓના જીવન પર પડશે, મહિલાઓનું શોષણ થતું અટકશે, મહિલાઓને છૂટાછેડા જેવી સ્થિતિમાં પતિની સંપતિમાં હક મળશે, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉમર સમગ્ર દેશમાં અને તમામ ધર્મોમો એક સમાન બનશે. આ સાથે તેમણે વિવિધ ધર્મોના પર્સનલ લો અને તેની મર્યાદાઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. સીમા જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક માનનીય મુરલીધરજી અને
અધ્યક્ષ ડૉ. જયંતીભાઈ ભાડેશીયાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના સંયોજક, જીવણભાઈ આહિર, પ્રાંત તથા મહાનગર કાર્યકારીણીના સદસ્યો, શિક્ષકો, ડોક્ટરો, વકીલો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે મહાનગરના મંત્રી ડૉ. દિલીપસિંહ સોઢાએ સૌનો આભાર માન્યો હતો.
રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ.