logo

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મુંદરા તાલુકાના ભુજપુરના ૮ વર્ષના રવિરાજ જાડેજાને મળ્યું નવજીવન ૦૦૦૦ નિદાન સમયે હ્દય વાલ્વની ખામી જણાતા એકપણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશનથી બાળકની આરોગ્ય સમસ્યાનો આવ્યો અંત

ભુજ, શુક્રવાર :



કેન્દ્ર તથા ગુજરાત સરકાર દ્વારા દરેક બાળકનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તથા કોઇ શારીરિક સમસ્યા હોય તો પણ સરકાર દ્વારા તેને મફતમાં સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સફળ કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ કચ્છના મુંદરા તાલુકાના ૮ વર્ષના ભુજપુરના રવિરાજ કેશુભાઇ જાડેજાને નવજીવન પ્રાપ્ત થયું છે

આ અંગે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના મુંદરાના ડૉ. સંજય યોગીના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ હેઠળ ભુજપુરની ટી.એમ.કુમાર શાળામાં આરબીએસકે ટીમ ડૉ. અવની બેંકર, ડૉ.પૂજન કોરાડીયા, ડૉ.સુહાના મિસ્ત્રી દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય સ્ક્રિનીંગ દરમિયાન પ્રાથમિક નિદાનમાં હ્દયમાં ખામી જણાતા શાળાના શિક્ષકને બાળકને કોઇ બીમારી છે કે શું તે વિશે પૃચ્છા કરતા શિક્ષકે અજાણતા વ્યક્ત કરી હતી. જેથી બાળકના દાદાને બોલાવીને પૃચ્છા કરતા તેમણે પણ બાળકોને કોઇ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું. જેથી આરબીએસકેની ટીમ દ્વારા બાળકને હ્દયમાં કંઇ સમસ્યા હોવાનું જણાવીને શું સમસ્યા છે તે જાણવા ૨-ડી ઇકો રીપોર્ટ કરાવવા જણાવતા વાલીની સંમિતિથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિ:શુલ્ક દરે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં હ્દયમાં વાલ્વની ખામી જણાઇ આવતા બાળકનું ઓપરેશન કરાવવા અંગે તથા આ ઓપરેશન એકપણ રૂપિયાના ખર્ચ વગર સરકારશ્રીની મદદથી સંપૂર્ણ નિશુલ્ક થઇ જશે તેવું વાલીને જણાવીને તેઓની સંમતિથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે બાળકનું સફળ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આરબીએસએકની ટીમે સાથે રહીને વાલી તથા બાળકને ક્યાંય પણ સમસ્યા ન થાય તેની કાળજી લીધી હતી.



આ અંગે પરીવારે હર્ષના આંસુ સાથે જણાવ્યું હતું કે, ખાનગીમાં આ જ સારવાર કરાવી હોત તો ૭ થી ૮ લાખનો ખર્ચ અમને ભોગવવો પડ્યો હોત. પરંતુ સરકારશ્રીની મદદથી અમારા બાળકના બીમારીની સમયસર અમને જાણ થવા સાથે તેનું ઓપરેશન પણ થઇ જતાં અમારું બાળક હવે તંદુરસ્ત જીવન વ્યતિત કરી શકશે. પરિવારે આ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

0
84 views