
અમદાવાદ : નરોડા પાટીયા વિસ્તારમાં બે યુવકો પર ઘાતકી હુમલો, એકનું મોત
અમદાવાદ શહેરના નરોડા પાટીયા વિસ્તારમાં ગત મોડીરાતે બે યુવકો પર ઘાતકી હુમલો થયો હતો, જેમાં એકનું મોત થયુ તો અન્ય એક ઈજાગ્રસ્ત છે. યુવક નોકરી પુરી કરીને ઘરે જઇ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. આ અંગે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સરદારનગર પોલીસે તેની તપાસ હાથ ધરી છે.
શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નરોડા પાટિયા પાસે ગઈકાલે મોડી રાત્રે ભરત ઠાકોરની હત્યા કરવામા આવી. તેની સાથે શિવપ્રસાદ ગોસાઈ નામના યુવક પર પણ હુમલો કરવામાં આવ્યો. શિવપ્રસાદને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એકની હત્યા અને વધુ એકના હત્યાના પ્રયાસ મામલે સરદારનગર પોલીસે અભય નામના યુવક અને અન્ય ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.
મૃતક ભરત ઠાકોર ખાનગી કંપનીમાં લક્ઝરી બસ ચલાવે છે અને બસ મૂકી પોતાના ઘર તરફ જતો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મૃત્યુ થયુ. ભરત ઠાકોર પોતાના રોજિંદા સમય ઘરે ન આવતા પરિવાર તેમની શોધખોળ કરી રહ્યો હતો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેની પાર્ક કરેલી બસથી ઘર તરફ તપાસ કરતા રસ્તામાં લોકોનું ટોળું હતું અને ત્યાં જ તેનો મૃતદેહ પડ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ અને બનાવના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી.
અન્ય એક ઇજાગ્રસ્ત શિવપ્રકાશ ગોસાઈ અગરબત્તી વેચવાનું છૂટક કામ કરે છે અને બંને વચ્ચે સીધી રીતે કોઈ સંપર્ક અથવા પરિચય નથી. જેથી તેમના પર હુમલો કયા કારણોસર થયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો લૂંટના ઇરાદે છરી મારી હોઈ શકે છે. જેને લઇ પોલીસે અભય અને તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.