
કોટડા (જ.) લૂંટનું શોધન : બે ઝડપાયા, એક ફરાર
ભુજ, તા. 22 : શનિવારે નખત્રાણાના કોટડા (જ)માં સોની વેપારીના હાથ ઉપર છરી મારી 30.72 લાખના સોનાના દાગીના ભરેલા થેલાની થયેલી સનસનીખેજ લૂંટને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ત્રણ લૂંટારુ પૈકી બેને પોલીસે 29 ટકા મુદ્દામાલ સાથે દબોચી લીધા છે, જ્યારે ત્રીજા મુખ્ય સૂત્રધાર આરોપી અને તેની પાસેનો મુદ્દામાલ ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચિયને પત્રકારોને આપેલી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, કોટડા (જ)માં લૂંટ ચલાવનારા આરોપીઓ સ્વીફ્ટ કારથી ખાવડાથી ભુજ આવી રહ્યા છે. આ સચોટ બાતમીના પગલે લોરિયા પાસેથી લૂંટમાં વપરાયેલી સફેદ સ્વીફ્ટ કાર નં. જીજે-04-બીઈ-6320માંથી આરોપી મુસ્તાક પચાણ મલુક સમા અને નાલે મીઠા સકુર સમા (રહે બન્ને દેઢિયા-ખાવડા)ને લૂંટાયેલા 29 ટકા મુદ્દામાલ અને મોબાઈલ ફોન તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર સાથે ઝડપી પાડયા હતા. જ્યારે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર મૂળ અબડાસાના બાલાપર-બુડધ્રો હાલે મોટી વમોટી તથા ભુજ રહેતો મામદ સિધિક હિંગોરજાને ઝડપવા પોલીસના પ્રયાસો જારી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સનસનીખેજ લૂંટને અંજામ આપવા પૂર્વે કઈ રીતે પ્લાન ઘડાયો અને તેની તૈયારીઓ કેટલા સમયથી થતી હતી તેમજ વેપારી પાસેના મુદ્દામાલ અને તેની ગતિવિધિની માહિતી કઈ રીતે મળી, આ ઉપરાંત લૂંટ મચાવી ક્યાંથી થઈ ખાવડા બાજુ પહોંચ્યા તે અંગેના સવાલો પત્રકારોએ કરતાં તે અંગે શ્રી ક્રિશ્ચિયને જણાવ્યું કે, આરોપીની પૂછતાછ બાદ આ લૂંટની સિલસિલાબદ્ધ વિગતો જાણવા મળશે. બે આરોપી પાસેથી ઝડપાયેલો મુદ્દામાલ તેટલો જ છે કે હજુ ફરાર ત્રીજા આરોપી પાસે અન્ય મુદ્દામાલ છે કે કેમ તે અંગે ફરિયાદીને મુદ્દામાલ બતાવી ખરાઈ થશે અને આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવશે. નખત્રાણા પોલીસ, એસઓજી, એલસીબી અને ટેકનિકલ સર્વેલન્સ અર્થે નેત્રમ તથા પેરોલ ર્ફ્લો સ્કવોડની ટીમોના સંયુક્ત પ્રયાસોથી આ લૂંટનો તાળો મળ્યાનું શ્રી ક્રિશ્ચિયને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લૂંટમાં કુલ 480 ગ્રામ એટલે 48 તોલાના દાગીનાની લૂંટ થઇ હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી આ પૈકી 29 ટકા માલ એટલે કે, 139.470 ગ્રામ સોનાના દાગીના જેની કિ. રૂા. 8,92,608 જેટલો મળ્યો છે. આમ, બાકીનો લૂંટનો માલ ફરાર મુખ્ય સૂત્રધાર મામદ પાસે હોવાની સંભાવના છે. દરમ્યાન, અંતરંગ વર્તુળો પાસેથી મળેલી વિગતો મુજબ મુખ્ય સૂત્રધાર મામદનો ભાઈ અને કેટલાક પરિજનો કોટડા (જ) રહેતા હોઈ તે અવારનવાર અહીં આવતો-જતો હતો. સોની પાસેથી મોટો માલ મળવાના બદઈરાદે તેણે ઝડપાયેલા બે સાગરિતને સાથે રાખી લૂંટનો તખતો ઘડયો હતો. વરનોરાના પરિચિત પાસેથી બહાર ગામનું બહાનું આપી સ્વીફ્ટ ગાડી લઈ આવી લૂંટને અંજામ આપ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એમ. ગઢવી, પી.એસ.આઇ. ડી.એન. જાડેજા, ડી.બી. વાઘેલા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, જોરાવરસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી, માણેકભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા તથા ચેતનસિંહ જાડેજા, રઝાકભાઇ સોતા, ગોપાલભાઇ ગઢવી, ડ્રાઇવર હે.કો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ડ્રાઇવર એલ.આર. પી.સી. કમલેશભાઇ ડાભી તથા નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ રૂમના પીએસઆઇ કે.એન. મોરડિયા, હે.કો. શૈલેશકુમાર રાજગોર, મહિલા એલ.આર. પી.સી. વૈશાલીબેન બામણિયા, એલ.આર.પી.સી. ભાવનાબેન લુહાર જોડાયા હતા. ?