બનાસકાંઠામાં હોમગાર્ડ્ઝ જવાનોની રેન્ક ટેસ્ટ પરીક્ષા: બે દિવસીય પરીક્ષામાં 109 જવાને ભાગ લીધો, પ્રમોશન માટે લાંબા સમય બાદ તક
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોમગાર્ડ્ઝ જવાનોના પ્રમોશન માટે બોર્ડર વિંગ તાલીમ કેન્દ્ર દાંતીવાડા ખાતે બે દિવસીય રેન્ક ટેસ્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના નેતૃત્વમાં 16 અને 17 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં જિલ્લાભરમાંથી 109 જવાનએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જિલ્લામાં 1500થી વધુ હોમગાર્ડ્ઝ જવાનો પોલીસ સાથે રાત-દિવસ ફરજ બજાવે છે. છેલ્લા ઘણા સમયથી માનદ્ એનસીઓઝની પરીક્ષા ન યોજાવાને કારણે જવાનો પ્રમોશનથી વંચિત રહ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કમાન્ડન્ટે નિષ્પક્ષ અને પારદર્શક રીતે પરીક્ષાનું આયોજન કર્યું હતું.
પરીક્ષાની સફળતા માટે કમિટીના સભ્યો અને હોમગાર્ડ્ઝ જવાનોએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. લાંબા સમય બાદ યોજાયેલી આ પરીક્ષામાં કોઈપણ જવાનને અન્યાય ન થાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી, જેના કારણે જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પરીક્ષા દ્વારાયોગ્ય જવાનોને પ્રમોશનની તક મળશે, જે તેમના કેરિયર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.