ગાડીમાંથી દારૂ મળી આવ્યો, ઈન્ચાર્જ-હોમગાર્ડ સામે ફરિયાદ દાખલ
અમદાવાદ: નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ખળભળાટ મચ્યો છે. PCR ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને 30,000 રોકડ મળી આવ્યા છે. PCR ગાડીના ઇન્ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બે બોટલ વિદેશી દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી છે.
મહત્ત્વનું છે કે, નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં મુઠીયા ગામમાં અસમાજિક તત્વો, બુટલેગરએ સ્થાનિક પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. ત્યારે ડીસીપીના કડક આદેશ બાદ નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈએ બુધવારની રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું.જેમાં લીસ્ટેડ બુટલેગર તથા ઘણાખરાં ટપોરીઓના રહેણાક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે ખુદ નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી જ દારુ મળી આવતા ઇન્ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે કાર્યવાહી કરવામા આવી છે.