નરોડામાં પોલીસનું ઓપરેશન ક્લીનઅપ શરુ, લીસ્ટેડ બુટલેગર જીગાના ભાઈ કાલીની ધરપકડ
નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં મુઠીયા ગામમાં અસમાજિક તત્વો, બુટલેગરએ સ્થાનિક પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. ત્યારે ડીસીપીના કડક આદેશ બાદ નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈએ બુધવારની રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું.જેમાં લીસ્ટેડ બુટલેગર તથા ઘણાખરાં ટપોરીઓના રહેણાક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
લીસ્ટેડ બુટલેગર જીગાના ભાઈ કાલીની ધરપકડ
નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI અભિષેક ધવનની નિમણુંક થતાની સાથે જ બુધવાર રાત્રીના સમયે નરોડાના મુઠીયા ગામમાં રહેતા જીગ્નેશ નામના બુટલેગર અને તેના ભાઈ કાલીની ધરપકડ કરવા માટે નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ઝોન -4 એલસીબીના કર્મીઓએ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં લીસ્ટેડ બુટલેગર જીગો પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે તેના ટપોરી ભાઈ કાલીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી. નામચીહ્ન બુટલેગર જીગાના સગા ભાઈ કાલીની ધરપકડ કર્યા બાદ પોલીસ ડંડા વડે તેની આગતા-સ્વાગતા કરીને કાયદાનો પાઠ પોલીસની ભષામાં ભણાવ્યો છે
20 જેટલા પોલીસકર્મીઓ મુઠીયા ગામમાં પહોંચી ગયા હતા
ડીસીપી ઝોન-4ના એલસીબી સ્કવોડના કેટલાક પોલીસ કર્મીઓ કે જેઓ નરોડા, કૃષ્ણનગર અને તેની આસપાસના વિસ્તારોથી વાકેફ હોય તેવા કોન્સ્ટેબલરી સ્ટાફને બુધવારની રાતે ખાસ કોમ્બિંગમાં સાથે રાખવામાં આવ્યા હતા તથા નરોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પોલીસકર્મીઓ સહીત કુલ 20 જેટલા પોલીસકર્મીઓ મુઠીયા ગામમાં પહોંચી ગયા હતા અને બુટેલેગીંગ કરનારા ચોક્કસ લોકોના ઘરમાં પહોંચીને કાયદાની ભાષામાં વાત કરવાનું શરુ કરી દીધું હતું.
લીસ્ટેડ બુટલેગરો અને ટપોરીઓ પોલીસના ભયથી ભૂગર્ભમાં ઉતરી ગયા
નરોડા અને તેની આસપાસના વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરોના મકાનોમાં બુધવાર સાંજથી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં રહેતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. મુઠીયા ગામમાં રહેતા અને પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળયેલા ઘણાખરા લીસ્ટેડ બુટલેગરો અને ટપોરીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નરોડા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ PI અભિષેક ધવનને સોંપાયો
તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નરોડામાંથી દારનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું, જેના પગલે PI એમ.વી પટેલની K કંપનીમાં નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ નરોડા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર અભિષેક ધવનને સોંપવામાં આવ્યો છે.
તાજેતરમાં જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હદમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની શાન જે પ્રમાણે ઠેકાણે લાવવામાં આવી હતી. તેવી જ રીતે અન્ય બીજા ગુનેગારોની સાન પણ ઠેકાણે લાવી દેવામાં આવશે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ કેટલાંક પોલીસકર્મીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે ઘણા સમય બાદ હવે લાગી રહ્યું છે કે પોલીસની નોકરી કરીએ છીએ.