ડીપીએ ગ્રીન હાઈડ્રોજન હબ બનવા તૈયાર ઃ શિપિંગમંત્રી
કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગઈકાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે પોર્ટના કાર્યક્રમમાં વિવિધ કરોડોના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને ઉદઘાટન કર્યુ હતું. આ સમયે શિપિંગ મંત્રીએ મહત્વાકાંક્ષી ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરતા પોર્ટનો વિકાસ તેજ ગતીએ થશે તેમ જણાવીને કંડલા પોર્ટ બહુ જલદી મેગા પોર્ટ બનશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ૫૭ હજાર કરોડના પ્રોજેક્ટ્સ કંડલાના દ્વારે આવશે. શીપ બિલ્ડીંગ ક્ષેત્રે પણ કંડલા શરૂઆત કરી રહ્યું છે. તો પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘે પોતાના ઉદબોધનમાં જણાવ્યું લાગલગાટ વર્ષો સુધી નંબર ૧ રહેલું કંડલા પોર્ટ ગત વર્ષે ભલે બીજા ક્રમાંકે આવી ગયું હોય,પણ આ વર્ષે ૧૫૦ એમએમટી કાર્ગો હેંડલીંગને સ્પર્શ કરવાના લક્ષ્યાંક અને આવતા વર્ષે ૧૭૦ એમએમટી કાર્ગોના લક્ષ્યાંકને સિદ્ધ કરવા તેવો પોર્ટ ઉપભોક્તાઓના સહકાર સાથે કટીબદ્ધ હોવાનું કહ્યું હતું. શિપિંગ મંત્રીએ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન મેરીટાઇમ ઇંધણને સમર્પિત બે કેન્દ્રોનું શિલાન્યાસ કરાયું હતું, આ ક્ષણે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ, ડે. ચેરમેન નંદેશ શુક્લા, કંડલા કસ્ટમ કમિશનર એમ. રામમોહન રાવ સહિત પોર્ટ યુનિયનો, ટ્રેડ સંગઠનો, ઉપભોક્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.