મહારાષ્ટ્ર ચૂંટણીમાં જઈને રાજ્યના દલિતો સાચો ચિતાર આપશે
IPS પાંડિયનને એડિ. ડીજીપી પદેથી ૨૪ કલાકમાં હટાવો નહીં તો લડતના મંડાણ
પાંડિયન ૫૦ લાખ દલિતોની માફી માગે, વાવમાં BJP વિરુદ્ધ પ્રચારની ચીમકી
ગાંધીનગર. વણકર રાજેશ
ગુજરાતના ધારાસભ્ય સાથે આઈપીએસ રાજકુમાર પાંડિયને બેહૂદુ વર્તન કરી તું—તારી પર ઉતરી આવ્યા હતા, આ સંદર્ભેના આક્ષેપો બાદ હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મેદાને આવ્યો છે, આ મંચે માગણી કરી છે કે, એસસી, એસટી, માનવ અધિકારના એડિ. ડીજીપી રાજકુમારને ૨૪ કલાકમાં તેમના હોદ્દા પરથી સરકાર દૂર ક ૨ કરે, એટલું જ નહિ પરંતુ આ સરકારી રાજકુમાર ગુજરાતના ૫૦ લાખ દલિતોની માફી નહિ માગે તો આગામી વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રચાર કરી દલિતો પોતાની શક્તિનો પરચો બતાવશે, ગુજરાતના દલિતો મહારાષ્ટ્રની ચૂંટણીમાં જઈને દલિતોની સાચી પરિસ્થિતિનો ચિતાર રજૂ કરશે. ગુજરાતમાં હવે આઈપીએસ
અધિકારીઓ દલિતોના સવાલો સાંભળવા માટે તૈયાર નથી, સરકારના માનિતા રાજકુમારની ઓફિસમાં એવા તો કયા ગોરખધંધા ચાલે છે જેનાથી લોકો મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેશે એનો ડર રહે છે, સરકારે રાજકુમાર પાંડિયન પાસેથી ડીજીપીનો ચાર્જ લઈ વિપશ્યના કરવા મોકલી દેવા જોઈએ. આ મંચે દાવો કર્યો છે કે, કચ્છમાં દલિતોને વર્ષો પહેલાં હજારો એકર જમીનો ફાળવી હતી, જેમાં આજે માથાભારે ગુંડા તત્ત્વોનું દબાણ છે, ગુંડા તત્ત્વોને બહાર કાઢીને એમની સામે ગુનો દાખલ કરી રક્ષણ પૂરું પાડવાની વાત સાંભળવા સરકારી તંત્ર તૈયાર નથી. આ સંદર્ભેની રજૂઆત માટે ધારાસભ્ય ગયા ત્યારે મોબાઈલ ફોનના બહાને આઈપીએસ રાજકુમારે બેહૂદુ વર્તન કર્યું હતું. કચ્છના એસપી તથા એન્જ આઈજી ચિરાગ
કોરડિયાને પણ વારંવાર રજૂઆતો કરાઈ છે પણ પોલીસ તંત્ર આરોપીઓને છાવરીને ઊંઘી રહ્યું છે. આઈપીએસ ધારાસભ્યના પ્રોટોકોલનો ભંગ કરીને ઉદ્ધતાઈ કરે તે ચલાવી ના લેવાય. આઈપીએસને માથે સત્તાનો નશો ચઢી ગયો છે, પ્રજાના પ્રતિનિધિ સાથે આવું વર્તન હોય તો સામાન્ય લોકો સાથે કેવી રીતે વર્તન કરતા હશે. આરએસએસ અને ભાજપના નેતાઓની છત્રછાયાના કારણે પાંડિયનને સત્તાની ચરબી મગજમાં ભરાઈ ગઈ છે.
આર્થિક હિતોના સેટિંગ પાડવામાં કેટલાક અધિકારી સત્તાપક્ષની ચાપલૂસી કરવામાં, ગુંડાઓને રક્ષણ આપવામાં પોતાની કરોડરજ્જુ ગિરવે મૂકી દે છે, પાંડિયન પણ એવા જ અધિકારી તો નથીને એ સવાલ એમની વર્તણૂક જોઈને મનમાં થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.