logo

16-17 સપ્ટેમ્બરે અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાશે:PM મોદીનો પ્રવાસ, ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ 12000 પોલીસ ખડેપગે રહેશે, 4 DCP, 4 ASP બહારથી આવશે

અમદાવાદ શહેરમાં 16 અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બે મોટા તહેવારો હોવાથી શહેર પોલીસને ખાસ બંદોબસ્તમાં ફેરવવામાં આવી છે. જેમાં શહેરના કુલ 12000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને આ વખતે SRP અને બીજી ફોર્સ અન્ય રાજ્યમાં ચૂંટણી હોવાથી બહાર ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરની તમામ પોલીસને આ મહત્ત્વના દિવસોમાં બંદોબસ્તમાં રોકવામાં આવી છે. સાથે સિનિયર અધિકારીઓની માગણી અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી હતી. જેમાં ચાર ડીસીપી રેન્ક અને ચાર એએસપી રેન્કના અધિકારીઓને અમદાવાદ માટે ફાળવવામાં આવ્યા છે.

આ માટે તમામ યોજના અને પ્લાનિંગ થઈ ગયું છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની વિગત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો GMDC ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અંદાજે અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઇદ-એ-મિલાદના જુલૂસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
આ જ દિવસે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઈદ-એ-મિલાદ નીકળવાના છે. આ જુલૂસ દરમિયાન પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ફાળવવામાં આવે છે. જેમાં મોટાભાગે એરપોર્ટ તરફ ઝોન ફોર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઝોન 2, ઝોન 3, ઝોન 5 અને 6માં સ્થાનિક પોલીસની સાથે અન્ય જગ્યાની પોલીસ પણ ફાળવવામાં આવશે.

શહેર પોલીસ બંદોબસ્તમાં રહેશે
શહેર પોલીસ બંદોબસ્તમાં રહેશે
પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય એવું આયોજન
શહેરના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં અંદાજે 12,000 જેટલી પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે અને આ બે દિવસ તમામ પોલીસ શહેરમાં ખાસ બંદોબસ્તમાં હાજર રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ મામલે અમે તૈયારીઓ કરી લીધી છે અને કેટલોક વધારાનો સ્ટાફ માગવામાં આવ્યો છે જે અમને મળી ગયો છે. ચાર ડીસીપી અને ચાર એએસપી કક્ષાના અધિકારીઓ આ બે દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે. બીજી તરફ SRP અને અન્ય ફોર્સ હાલ અન્ય રાજ્યમાં છે અને રાજ્યમાં બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

8
175 views