
*ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતના દીકરા દીકરીઓને માસિક સહાય રાશી આપવામાં આવે તે માંગ સાથે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું.*
*પ્રેસનોટ: 591*
*આમ આદમી પાર્ટી*
*તારીખ: 22/07/2024*
*મધ્યપ્રદેશની ભાજપ સરકાર દિકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાયતા કરે છે, તો ગુજરાતમાં કેમ નહિ?: આપ*
*મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત સરકારે યુવાનોને 6000, 8000 અથવા 10000નું બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી, તો ગુજરાતના યુવાનોને ક્યારે મળશે?: આપ*
*આમ આદમી પાર્ટીની માંગણી છે કે ગુજરાતના દિકરા-દિકરીઓને પણ માસિક સહાય રાશિ દર મહિને આપવામાં આવે: આપ*
*અમદાવાદ/સુરત/રાજકોટ/વડોદરા/ગીર સોમનાથ/દ્વારકા/જામનગર/ભાવનગર/બોટાદ/ભરૂચ/વલસાડ/કચ્છ/મહેસાણા/ગાંધીનગર/ગુજરાત*
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપ સરકારો પોતાના રાજ્યના દિકરા-દિકરીઓને દર મહિને બેરોજગારી ભથ્થુ અને મહિલા સન્માન રાશિની રકમ આપે છે, પરંતુ ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરનાર ભાજપ સરકાર ગુજરાતના દીકરા દીકરીઓને આવી કોઈ પણ સહાય રાશી આપતી નથી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ ગુજરાતના દિકરા-દિકરીઓને પણ બેરોજગારી ભથ્થુ મળે અને મહિલા સન્માન રાશિ પણ મળે તે બાબતે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આજે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, મધ્યપ્રદેશની દિકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાયતા કરે છે. આ મુદ્દે ભાજપે બબ્બે વખત ચૂંટણીઓ પણ લડી છે. આ સિવાય તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થીત સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત યુવાનોને એમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે 6000, 8000 અથવા 10000નું બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી.
ગુજરાતની પ્રજા તો છેલ્લા 30-30 વર્ષથી ભાજપને બહુમતી આપે છે, છેલ્લી ચૂંટણીમાં તો 156 બેઠકો આપી છે, તો ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓને આ સહાયતા કેમ નહીં ? ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓ પણ બેરોજગારીથી પીડાય છે, પૈસાના અભાવે અભ્યાસ છોડી દે છે. તો ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓનો શું દોષ છે કે એમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? વળી, ભાજપના નેતાઓ તો તમામ ભાષણોમાં સબકા સાથ, સબકા વિકાસની અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાતો કરે છે. તેમ છતાં એક જ દેશના બે યુવાનો વચ્ચે આવો ભેદભાવ કેમ? ગુજરાતના તમામ યુવાન દિકરા-દિકરીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતના દિકરા-દિકરીઓને પણ આ પ્રકારની સહાયતા દર મહિને આપવામાં આવે.
*આમ આદમી પાર્ટી ગુજરાત*