સ્મરણકથા : શ્રી રાઘવ માધડ
સ્મરણકથા : અખંડ આનંદ
એક હતી નદી ! રાઘવજી માધડ
મોટાભાગની લોકસંસ્કૃતિ નદીકાંઠે વિકસી છે. નદીને આપણે લોકમાતા કહીએ ને સમજીએ છીએ.
અમારું ગામ શેત્રુંજી નદીના સાવ કાંઠે નહિ પણ એક-દોઢ કિલોમીટર દૂર થાય. પણ નદી સાથેનો નાતો, ઘરોબો વિશેષપણે હતો. જયારે પગપાળાનું ચલણ વધારે હતું ત્યારે આ અંતર કયારેય અંતરથી અનુભવ્યું નથી. જે તે સમયે, હડી કાઢીને શેત્રુંજીએ પહોંચી જતા હતા. નદીમાં પાણી વહેતું હોય અથવા ઘૂનો ભર્યો હોય તો એકાદ ધુબાકો મારી, ખંગોળીયું ખાઇ...ગયા એ જ પગલે ઘરે પાછા આવતા રહેવાનું. જાણે માતાનાં ખોળામાં આળોટી ચોખ્ખા, સ્વચ્છ થઇ આવતા રહ્યા હોઈએ !
હા, શેત્રુંજીમાં પહેર્યા કપડે જ ન્હાવાનું, ઘરે પાછા ફરીએ ત્યાં કપડા કોરા થઇ ગયા હોય !
પણ શેત્રુંજી સાથેના સ્મરણોથી ક્યારેય કોરા થઇ કે રહી શકાય એવું નથી. કોઈ એવી પળે યાદ આવે એકએક ઘટના,પ્રસંગ તાદૃશ્ય થઇ જાય અને અંદરથી ભાવસભર ભીનાશ ઊભરાવા લાગે. કોરાધાકોર અંતરપટમાં સરવાણી ફૂટે. મનની અગોચર સ્મરણની રેલમછેલ થઇ જાય. ખૂણેખૂણો ગમતીલી યાદ, સંભા રણાથી તરબતર થઇ આવે ત્યારે, ગૌરવની લાગણી થાય : હું ખરેખર સભર ને સમૃદ્ધ માણસ છું !
જે અનુભવ કોઇથી, ક્યારેય ઉછીના લઇ-દઈ શકાતા નથી એ મને સહજ પ્રાપ્ત થયા છે. તળ ગામડાથી લઇ પાટનગર સુધીની યાત્રા અજબ રહી છે. સર્જનમાં અનુભવ વગરની અનુભૂતી અને અભિ વ્યક્તિ વાંઝણી નીવડે ! પણ તળથી ટોપ સુધીના અનુભવોએ મારું ને મારા સર્જનનું ઘડતર કર્યું છે.
માતાના ઉદર જેવી શેત્રુંજીને ખળખળ અને ઘોડાપૂરે વહેતી તેમજ ઠાલી, કાંકરા ઉડાડતી પણ જોઈ છે. તેનાં એક સ્ત્રી જેવાં શાંત, રૌદ્ર, સૌમ્ય, સ્નેહાળ ને વિકરાળ...એવાં વિવિધ રૂપને નજરોનજર નિહા ળ્યા ને હાડોહાડ અનુભવ્યા પણ છે.
દેવળિયા અને ગોખરવાળા ગામ વચ્ચે વહેતી આ નદી પર ગાયકવાડ રાજ્ય વખતનો ધોબીઘાટ હતો.ત્યાં બારેમાસ પાણી ભર્યું રહેતું. સાત ખાટલાના વાણ જેટલું ઊંડાણ હોવાની માન્યતા અમને તેમાં ન્હાવા માટે રોકતી.ડૂબી મરવાનો ડર લાગતો. પણ ત્યાં કપડાની ધોણ કાઢવા આવેલી બેઉ ગામની સ્ત્રીઓ, ધણના ઢોર-ગોવાળિયા અને મારી-અમારી જેવાઓથી કાંઠો દિવસભર ભર્યોભર્યો રહેતો.એ મેળા જેવા માહોલમાં અમસ્થું પણ મ્હાલવું ગમતું.ત્યાં ગયા હોઈએ તો પાણીમાં પંડ્ય પલાળ્યા વગર રહેવાય નહી !
શેત્રુંજીના બેઉ કાંઠા પર સ્મશાન. ત્યાં કોઈની ચિતા સળગતી જોઈ ડર લાગ્યો છે. દૂર ઉભા રહી જાતને સળગતી અનુભવી છે. મોત પછીનો ડર ભયાવહ ભાસે અને એટલે જ અંધારું થયા પછી નદી ભૂંડી ને ભારે બિકાળવી લાગી છે. છતાંય ટાણે-કટાણે, કોઈ સંગાથે નદીમાંથી પસાર થવાનું બનતું ત્યારે સમૂળગો ભાવ બદલાઈ જતો હતો. દિવસે નદીમાં જવા-રહેવાનું મન થતું ને રાતે જલ્દી નીકળી જવાનું મન થઇ આવતું હતું. નદીના આ બે રૂપ સહજ સ્વીકારી લીધા હતા.
ઘરથી ઘોણ કાઢવા આવતી સ્ત્રીઓ, જે કપડા ધોવાની તસુભાર જગ્યા માટે જીભાજોડીથી લઇ ક્યારેક ધોકાવાળી પણ કરી લેતી મેં સગી આંખે જોઈ છે. પણ સ્મશાનમાં ચિતા સળગી ગયા પછી જયારે ડાઘુઓ સ્નાન કરવા આવે ત્યારે આ સ્ત્રીઓ જ ઝટ જગ્યા આપી દેતી હતી. તે જોઈ ભારે નવાઇ લાગતી હતી. પણ પછીથી સમજાયું હતું, મોતનો ડર સૌ કોઈને સતાવતો હોય છે.અંતેતો આ મારગે જ જવાનું છે.
વરસાદ પછી, પૂર આવ્યે અસ્થિવિસર્જનનું કાર્ય પણ નદીએ જાતે કરવાનું રહેતું હતું !
ગોખરવાળામાંથી પાકી સડક પસાર થતી હતી. ગામતરે જવાની અવરજવર લગભગ ત્યાંથી થતી હતી. ગામલોક નદી પાર કરી, પગપાળાથી ત્યાં જઇ બસમાં બેસતું. જિલ્લા મથક અમરેલી માટે સીધા ચાલીને જાવતો આઠ કિલોમીટર જેવું અંતર થાય. છતાંય ત્રણ કિલોમીટર વાયા ચાલી, બીજા ગામથી બસમાં બેસવાના ચલણ ને વલણના પાયામાં, વચ્ચે આવતી નદીની માયા સિવાય બીજું શું હોઈ શકે !
ઠક્કરબાપા છાત્રાલય, અમરેલીમાં રહી માધ્યમિક કક્ષાનો અભ્યાસ કરતો હતો.ત્યારે અનેકવાર એ કાંટા ને ધૂળિયા મારગે ચાલ્યો છું.વચ્ચે શેત્રુંજીમાં વિસામો લીધો છે.વહેણ કે વીરડાનું પાણી પીધું છે. માતા ના સાન્નિધ્ય સમી શાતા અનુભવી છે.હાથમાંથી સરકી ગયેલા ને રહેલા સ્મરણોને નિરાંતે વાગોળ્યા છે. ત્યારે ભણવાના ભારમાંથી મૂક્ત થવાનું ઘણીવાર મન થયા કરતું પણ અમલ અઘરો હતો. કારણ કે ન ભણ્યા પછીની ભયાનકતા વિકરાળ હતી. એ સારી પેઠે સમજાય ગયું હતું. આ સમજના મૂળમાં પણ નદી હતી !
-કારણ કે ભણ્યા વગરનાઓને નદીની ભેખડોમાં ભૂંડીપટ ભટકતા જોયા હતા !
ગુજરાત અને ખાસ કરી,સૌરાષ્ટ્રમાં (ઇ.સ.૧૯૭૨) કારમો દુષ્કાળ પડ્યો ત્યારે પીવાના પાણી વગર જીવ માત્ર ટળવળતા હતા.પશુઓ ભૂખ્યા-તરસ્યા ટપોટપ મરતા હતા...ત્યારે આ શેત્રુંજીકાંઠાના ખેતરો હતા જે ‘ઓરિયો’ તરીકે ઓળખાતા. તેમાં કૂવાઓ ઉકેરવામાં આવ્યા હતા.એ કૂવાઓના પાણીથી લોક અને પશુધન નભ્યું હતું. નદીએ જીવમાત્રને જીવાડ્યા હતા. કોઈ વૃદ્ધો છપ્પનિયા કાળની યાદ અપાવતા હતા. ત્યારે શેત્રુંજી આખા વિસ્તાર માટે ખરા અર્થમાં લોકમાતા પુરવાર થઇ હતી.
એ દુષ્કાળ વખતે સરકાર દ્વારા રાહતકામ શરુ કરવામાં આવ્યું હતું. મોટાભાગના લોકો રાહતકામમાં જોડાઇ ખાળિયા ખોદવા લાગ્યા હતા. પણ આ ખોદકામનું મહેનતાણું કયારે મળે એ નક્કી નહોતું. ત્યાં સુધી ઘણાંના ઘરમાં ચૂલો ન સળગે એવી દારુણ કે દયનીય સ્થિતિ હતી. કહેવાય નહી ને સહેવાય પણ નહી એવી વસમીવેળા આવી પડી હતી.
આ વેળા રેશનીંગની દુકાને સસ્તા ભાવથી બરછટ અનાજ મળતું થયું હતું. તે દુકાન પણ ગોખર વાળા ગામમાં હતી. રાહતભાવથી મળતી જીવન જરૂરિયાતની સામગ્રી લેવા માટે પણ શેત્રુંજી પાર કરી એ ગામ જવું પડતું હતું. ત્યારે તો નદીમાં બળબળતી લૂ ને ઝાંઝવાના જળ જ વહેતા હતા.
એકવાર રેશનીંગની દુકાનેથી અનાજનું પોટલું માથે ઉપાડી સૌની સાથે નદી પસાર કરતો હતો.પગ ઉઘાડા હતા.ધોમધખતા તાપમાં નદીની રેતી તપીને અગ્નિકણ જેવી થઇ ગઈ હતી.પગ રેતીમાં છબતો નહોતો. ઉતાવળા ચાલવાથી રેતીમાં ફસકીને પડી જવાયું હતું. એ ઉંમરમાં પડવું-આખડવું સાવ સામાન્ય હતું. પણ માથેથી અનાજનું પોટલું નીચે પડી ગયું હતું. પોટલાનું કપડું ફાટી ને અનાજ રેતીમાં વેરાઈ ગયું હતું. ઘડીભર હતપ્રદ થઇ જવાયું હતું. બળબળતી રેતીમાંથી અનાજ ભેગું કરી, ખોબાથી પાછું લેવું, ભરવું મુશ્કેલ હતું. પછીતો હાંફળાફાંફળા થઇ અનાજ ભેગું કરવા ઝાંવા મારવા લાગ્યો હતો. જુવારનો એક દાણો પણ રહી ન જાય તેની ચીવટના લીધે રેતી સાથે આવી ગઈ હતી.વજન વધી ગયું હતું. ત્યારે માથા પરના ભાર કરતા મન પર છવાયેલો ભાર વધારે વસમો લાગ્યો હતો. જે આજે પણ વેળા કવેળાએ મનને પજવી જાય છે. તેનાથી વાસ્તવિક સ્થિતિનું મૂલ્ય મોંઘેરું બની જાય છે, તેની કિંમત પણ સમજાય છે.
-શેત્રુંજીમાં પડવું,આળોટવું ગમતું હતું. ભીની રેતીમાં ઉઘાડા ડીલે આળોટીને પછી પાણીમાં પડ વાની,પલળવાની મઝા આવતી હતી.પણ શેત્રુંજીમાં અનાજના પોટલા સહિત પડી જવાયું તે પીડા, બળતરા કયારેય વિસરાઈ નથી. જયારે જયારે શેત્રુંજીમાંથી પસાર થવાનું બન્યું છે ત્યારે...મનને દઝાડતું રહ્યું છે. થાય કે, નદીના બદલે સીધો રસ્તો જ હોતતો કદાચ પડી જવાનું ન પણ બન્યું હોત !
એક ભાઇબંધને ઘોડી હતી. તે ઘોડેસવારી માટે, અમે ઘોડીને પાણી પાવાના બહાને નદીએ લઇ જતા. ગામના હવાડે પાણી પાવાના બદલે નદીએ જવાના કારણોમાં ઘોડી શેત્રુંજીમાં રેતીના લીધે બહુ દોડી શકે નહી. અને સવારીમાંથી નીચે પછાડે તો,રેતીમાં વાગે નહી. ઘણીવાર ઘોડીએ પછાડ્યો હતો. પણ રેતી ખંખેરીને, કાંઇ જ ન થયું હોય એમ ઊભો થઇ જતો હતો. વળી થતું, ઘોડીએ પલાણ કરો તો પડવાનું પણ બને. ચડવું, પડવું સહજ ને સામાન્ય હતું. પણ પોટલાવાળી પછડાટ ભૂલાતી કે ભૂંસાતી નથી.
શેત્રુંજીને વિવિધરૂપે જોઈ, નિહાળી છે. તેમાં જયારે પૂરના લીધે તારાજી સર્જી છે, કાંઠાઓને ધમ રોળ્યા છે, ઘર-પાદર-ખેતરને ખેદાન-મેદાનમાં કરી નાખ્યા છે..ત્યારે તેનું વરવું રૂપ ભારે ભયંકર ભાસ્યું છે. કાંઠે હોવા, રહેવાનું સુખ, દુઃખમાં બદલાઈને બેવડાઈ ગયું છે.વળી કોઈ માણસ તણાયાની લાશ ઓવાળે ચઢેલી કે કાદવ-કીચડમાં રગદોળાયેલી જોઈ છે...તે બિહામણા સ્વપ્ન માફક ઊંઘ હરામ કરનારી નીવડી છે. શેત્રુંજી ગાંડી ને ગોઝારી લાગી છે. ત્યારે થયું છે, નદી મા નહી પણ ડાકણ છે.તેનાથી આઘા જ રહેવું !
પણ જે પોષતું તે મારતું....આ ક્રમ દુઃખ, વિષાદ વિસારે પાડી દેતું રહ્યું છે.
શેત્રુંજીનું પિયર ગીરમાં.ત્યાંથી નીકળી છેલ્લે પાલીતાણા પાસે શેત્રુંજા પર્વતને પ્રણામ કરી સાગરમાં સમાઇ જાય.પણ સાવજને સાચવતી ગાંડી ગીરનો અલ્લડ ને અલબેલો સ્વભાવ તેની નસનસમાં વહેતો. વળી અટંકી ને ડંહીલી પણ ખરી. દેવા બેસે તો દીકરા દે, નહિતર છોરું છીનવી પણ લે ! વિફર્યા પછી કોઈ ની શું, સગા બાપની પણ સગી નહી એવી કજાડી કે અકોણી પણ ખરી !
ગામના ઉપરવાસમાં આવેલા પુલ (ઓવરબ્રીજ)ની લગોલગથી અમરેલી બાજુથી આવતી ઠેબી નદી ભળે. પણ પોતે જયારે બે-કાંઠે વહેતી હોય ત્યારે ઠેબીનો ગજ વાગવા ન દે. તેના કારણમાં ઠેબી શહેર ની ગંદકી લઇને આવી હોય અને પોતે તો ગીરની ગંગા ! સ્વભાવગત તે ઠેબીના પાણીને પ્રવેશવા ન દે. પછી ઠેબી આડફળું બાંધી, સડક તોડી-ફોડી દેવળિયા, કણકોટ અને આંબા ગામની સીમમાંથી આંટોફેરો કરી આગળ જતાં, અણસમજુ છોકરાં માફક માતાની સોડમાં સમાઈ જાય. પણ ન સમાવ્યાના રોષનો ભોગ ગામ-સીમને વાડી-ખેતર બને. આડું આવે તે સઘળું તોડી-ઉખેડીને તાણી જાય. પણ કાંઇ સાચવે કે સંઘરે નહી. આગળ જતા ઓવાળે ચઢાવી દે. તેમાં પશુઓ અને હડફેટે ચઢે તો માણસને પણ છોડે નહી.
-ભૂંડા કામ ભાણકીનાં...એટલે કે ઠેબી નદીનાં !
નદીના ઓવરબ્રીજ પછી એક ફાંટો પડે મોટા વોકળા જેવો. જે નાળિયેરા નામે ઓળખાય.તે પાછો ગામની સીમ પૂરી થાય ત્યાં સુધીમાં પાછો ભળી જાય.પણ નદી અને નાળિયેરા વચ્ચેનો પટ ઓરિયો - જમીનમાં ફેલાઈ પાકને પારાવાર નુકશાન કરે. જાણે નાળિયેરાનો જન્મ જ આવું, અઘટિત નુકશાન કરવા માટે થયો હોય !
આ પૂર્વે ઠેબીના પાણી, અળવીતરા છોકરાં જેમ જ્યાં પ્રસરે ત્યાં ધમાલ કરતા જાય.પણ પાયામાં છૂપી કમાલ શેત્રુંજીની. જો ઠેબીને ઉરથી આવકારેતો ઠેબી સખણી રહીને સાથે જ ચાલે.ચીલો છાતરી, બીજા રસ્તે ચઢી બગાડ ન કરે.પણ શેત્રુંજી પોતે ક્યાંય ચિત્ર ન આવે...ખરાબ કામ ઠેબી પાસે કરાવે, આને પગે કમાડ વળ્યા કહેવાય.
વળી આગળ જતા, લીલીયા ગામની પૂર્વ દિશામાં શેત્રુંજીને ગાગડીયો નદી આડી ફરે. તેને કોઈ આનાકાની વગર પોતાની ગોદમાં સમાવી આગળ વધે. પણ રૂઆબ બદલાઈ જાય. બમણા વેગ-આવેગથી ધસમસે.તેથી લોક જીભે કહેવત રમતી રહી છે : શેત્રુંજીમાં ગાગડીયો ભળે...પછી કાંઇ કહેવાનું જ ન રહે !
શેત્રુંજીમાં વહેણ શરુ હોય ત્યારેતો ન્હાવા-ધોવા કે આંટોફેરો કરવા લોક આવે. પણ વહેણ સૂકાયા પછી, ટાણે-કટાણે નદીના પહોળા પટમાં મનેકમને પણ પગ મૂકવો પડતો હતો, પીવાનું પાણી ભરવા !
ગામના કૂવામાં પાણી હોય. પણ ઉનાળો આવતો જાય એમ પાણીનો સ્વાદ બદલાતો જાય. છેલ્લે વપરાશમાં લઇ ન શકાય એવું મોળું ને ભાંભળું પાણી થઇ જાય. જે ન્હાવા-ધોવા કે પીવાના કોઈ પખમાં ન આવે. પછીથી મીઠું પાણી લેવા, ભરવા શેત્રુંજીમાં વીરડો ગાળવો પડે. જેમ જેમ ઉનાળો આકરો થતો જાય,તાપ વધતો જાય તેમ શેત્રુંજીમાં નીર પણ ઊંડા ઉતરવા લાગે. વીરડાની ઊંડાઈ અને પહોળાઈ પણ વધારતી જાવી પડે. એક સમયે કોઈ એક વ્યક્તિ વીરડામાં ઊંડે ઉતરે,ત્યાંથી પાણીનું છાલિયું ભરી ઉપર ઉભા હોય તેને અંબાવે, એ વળી વાંકો વાળી છાલિયું લઇ વાસણમાં રેડે...લાંબા સમય બાદ એકાદ ઘડો, વાસણ પાણીથી ભરાઈ. કયારેક અંધારું પણ થઇ જાય. પણ પાણી મળ્યાનો ઉજાસ ઉઘડે. ભૂખ ટંક બેટંક ભોગવી શકાય, ભોગવી છે પણ તરસ સામે ટકવું અઘરું થઇ પડે. શેત્રુંજીએ કયારેય તરસ્યે લૂલવ્યા નથી. પોતાનું પેટ ચીરીને પણ પાણી આપ્યું છે.
હા, વીરડા કાંઠે જ સૂરજ આથમી ગયો હોય એવું પણ થયું છે.
આપણી પ્રસિદ્ધ લોક-પ્રણયકથા, ‘શેતલ (શેત્રુંજી)ના કાંઠે’ નો એક દુહો છે :
વેળુમાં વીરડો ગાળિયો, ખૂંદ્યા ખમે જે વીર,
પણ આછા આવજો નીર, જે દશ ઊભો હોય દેવરો !
હા, નદી કાંઠે પ્રીત પાંગર્યા જેવું કાંઇ બન્યું હોતતો અહીં લખવાનો હરખ ઝાલ્યો ન રહ્યો હોત !
પણ આ નદીના કાંઠે પાંગરેલી, આણલ અને દેવરાની અજોડ, અણિશુદ્ધ પ્રીત પાસે કે સામે જાણે - અજાણ્યે જે કાંઇ બન્યું હશે તે સઘળું યુવાનીની વેવલાઇથી વધારે કાંઇ નહોતું તે સ્પષ્ટ સમજાય છે.
-ભરઉનાળામાં જયારે સૌ પાણી માટે વલખતા હોઈ ત્યારે અમે આમ નદીને ધાવી-નીચોવીને મોટા થયા છીએ. પાણીની તંગીમાં ખુદ જનેતા લાચાર થઇ જાય. પણ શેત્રુંજીએ સામી છાતીએ તરસ છીપાવી છે, ક્યારેય તરસ્યા રહેવા દીધા નથી. હા,તેનાં ખોળામાં જવું પડે. ક્રોધે ભરાઇ હોયતો પડતપો ખમવો પડે.
વળી નદીના સામાકાંઠાનો ભાગ, વિસ્તાર તે ખારોપાટ. પાણી ખારું, જમીન પણ ખારાશવાળી. ભૂલથી પણ નદીમાં સામા કાંઠા બાજુ વીરડો ગાળિએ તો પાણી ખારું, મોળું કે ભાંભળું આવે. જાણે અમારી બાજુના કાંઠાના સગાં છોરું ને સામા કાંઠાનાં ઓરમાયા છોરું... તો જ આવું વ્હાલા-દવલું રાખે ને !?
શેત્રુંજીના બેઉ કાંઠે ગાંડા બાવળની ગાઢી રાંગ.જે ગઢની ઊંચીને અડિખમ દીવાલ જેવી લાગે. આ રાંગના લીધે અહુરી વેળાએ નદીના પટમાં નીકળતા ડર લાગે. કાળાચોર અને ભૂતકાળમાં બહાર વટીયા ઓએ આશરો લીધાનું બન્યું છે.પણ શેત્રુંજીની સાક્ષીએ એવો કોઈ અણછાજતો બનાવ બન્યાનું યાદકે ક્યાંય નોંધાયું નથી. હા, બાવળની ઝાડી વચ્ચે કોઈ ચોર-લુંટારાઓએ માલ-મત્તા સંઘરી હોય તે વાત જુદી છે.
આ રાંગમાં અમે બકરાં ચાર્યા છે. બાવળના કાચા-પાકા પરડાં ખાધા છે. નદીમાં જઇ ન્હાયા છીએ. પેટ તાણીને પાણી પીધું છે, બકરાંને પણ ત્રો...ત્રો...કરીને પાણી પીવરાવ્યું છે. પછી ખિસ્સામાં સંઘરેલા બાજરાના ટાઢા રોટલા સાથે, બકરીના આંચલને મોં સામે રાખી શેઢબટકીયા કર્યા છે !
બાવળની આ ઘટાદાર રાંગ થકી શેત્રુંજી રૂડી ને રળિયામણી લાગે તેની ખુદને ખબર ખરી. બેઉ બાજુ કોઈ પાર્ષદ ચોકી-પહેરો ભરતા ઊભા હોય અને વચ્ચેથી પસાર થવું તે રાજરાણી જેવો વૈભવ ઊભો કરે. છતાંપણ બાવળની રાંગને અંતરથી ઈચ્છે નહી. કારણ કે આડશ જેવી રાંગ, પૂરટાણે પોતાની મોકળાશ થી ફેલાતી અટકાવે ને ક્યાંક છટકાવે પણ ખરી ! જે તેને સ્વભાવગત ગમે નહી.
શેત્રુંજી સાથેનો નાતો એમ છૂટે કે તૂટે એમ નહોતો.વચ્ચે એક સમયગાળામાં જયારે હું શિક્ષક હતો, ત્યારે મારા ગામથી આંબા સુધી કાચા રસ્તે સાઇકલ લઇ જવાનું થતું હતું. પણ ચોમાસામાં પગપાળા જ કરવા પડતા હતા. દરરોજ આવ-જા થઇ ચૌદ કિલોમીટરનું અંતર શેત્રુંજીના કાંઠે અને એ પણ ઉબડખાબડ ને કાદવકીચડવાળી કેડીએ કાપવું પડતું હતું. ત્યારે આ નદી ભારે ભૂંડી ને અધધ..અળખામણી લાગી છે.
આ સત્તરપટ્ટી શેત્રુંજીને હવે ગાંડા બાવળની રાંગ વ્હાલી લાગી રહી છે. કારણ કે થોડા વરસોથી વનરાજ સિંહોએ આવીને વસવાટ કર્યો છે. ગીરનું જંગલ છોડી અમુક સિંહોએ શેત્રુંજીના કાંઠા વિસ્તારમાં સપરિવાર આશરો લીધો છે.
શેત્રુંજી મૂળ ગીરની અને સિંહ પણ ગીરના. તેથી તેનાં પિયરીયા આવ્યા હોય તેમ સિંહને બાવળની રાંગમાં શેત્રુંજીએ સાચવી લીધા છે !
શેત્રુંજીમાં છેલ્લે ક્યારે પગ મૂકવાનું બન્યું હશે રે યાદ નથી અને ક્યારે બનશે તેની ખબર નથી. પણ વાહન લઇ પુલ ઉપરથી પસાર થવાનું બને છે ત્યારે તેનાં દર્શન થાય છે. પણ યુવાનતો નથી જ.
નદી ક્યારેય વૃદ્ધ થાય ખરી..પણ શેત્રુંજી થઇ છે.દસ-પંદર કિલોમીટરનો વિસ્તાર-જ્યાં સિંહે પગપેશારો કર્યો છે, તે બાદ કરતા લગભગ કાંઠાઓ સાફ થઇ ગયા છે. નવા વૃક્ષોનું રોપણ ને ઉછેર થવા લાગ્યો છે. હા, આવતીકાલે ત્યાં નંદનવન હશે પણ મારા ચિતમાં તો ગાંડા બાવળ વચ્ચે રહેતી ને વહેતી એ અલ્લડ નદી જ યાદ છે, હશે ને રહેશે !
પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. સ્થળ-કાળ બદલાતા રહે. શેત્રુંજી માટે પણ આવું જ થયું છે.
નદી કાંઠે ઊભા હતા તે કહેવાતા ગાંડા બાવળને ડાહ્યા સમજવાની દરકાર વગર જડમૂળથી કાઢી નાખવામાં આવ્યા છે. જેથી નદીનો પટ વિસ્તર્યો છે, ખરબચડો થયો છે. પટની ઊંડાઈ ઓછી થઇ છે. ધૂળિયા રેતીના થર અને ટેકરા જામી ગયા છે. તેનો ઘાટિલો ચહેરો નમણાશ ગુમાવી બેઠો છે. આખો નાક-નકશો બદલાઈ ગયો છે. સવળોટી કાયા પણ કૃશતા સાથે ગંદી-ગોબરી થવા લાગી છે. ખળખળ વહેતા ઝરણાંનું સંગીત વિરમી ગયું છે... શેત્રુંજી ખરેખર વૃદ્ધ થઇ ગઈ છે !
ગામમાં નળ દ્વારા પાણી સુલભ થવાથી, ન્હાવા-ધોવા કે પીવાનું પાણી ભરવા નદીએ જતું નથી. ગામમાંથી સીધી સડક થતા એ રસ્તે ચાલવાનું પણ બંધ થઇ ગયું છે. ખરું પૂછોતો નદી સાથેનો નાતો તૂટી છૂટી ગયો છે !
આ બધું જોતા, સમજતા ને અનુભવતા થાય છે કે, નદી સાથેનો અંતરંગ ઘરોબો ભૂતકાળ થઇ ગયો છે. અને ઉદગાર નીકળી જાય છે, એક હતી નદી !