logo

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાકના રક્ષણ માટે સાવચેતીના પગલા ભરવા અનુરોધ



અમરેલી હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી સમયમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ થવાની સંભાવનાઓને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે સાવચેતીના પગલા ભરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કમોસમી વરસાદથી પાકને થતી નુકશાનીથી બચાવવા માટે ખેડૂતોએ ઉત્પાદીત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવું. ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જોઈએ.
વેપારી અને ખેડૂતોએ એ.પી.એમ.સી.માં સાચવેલા ઉત્પાદનની કાળજી રાખવા માટે સાવચેતીના પગલા લેવા આવશ્યક છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત અને સલામત રાખવા. આ સમયગાળામાં એ.પી.એમ.સીમાં વેચાણ અર્થે આવતી ખેત પેદાશોને અન્ય સ્થળે મોકલી સ્થળાંતર કરવાનું ટાળવું અથવા યોગ્ય રીતે સાચવી સુરક્ષિત રાખવી.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક તાલીમ, KVK, અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.

1
1495 views