ચાણસ્મામાં નૂતન શૈક્ષણિક સત્રનો પ્રારંભ: કુમકુમ તિલક સાથે બાળકોનું સ્વાગત, શાળાઓ કિલ્લોલથી ગુંજી ઉઠી.......
ચાણસ્મામાં નૂતન શૈક્ષણિક સત્રનો પ્રારંભ: કુમકુમ તિલક સાથે બાળકોનું સ્વાગત, શાળાઓ કિલ્લોલથી ગુંજી ઉઠી.......
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી ચાણસ્મા પંથકમાં નૂતન શૈક્ષણિક સત્રનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. લાંબા વેકેશન બાદ આજે શાળાઓના કપાટ ખૂલતાં જ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાના પરિસરો ગુંજી ઉઠ્યા હતા. પ્રથમ દિવસે ચાણસ્મા શહેરની વિવિધ શાળાઓમાં બાળકોનું પરંપરાગત અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શહેરની પ્રતિષ્ઠિત કન્યા શાળા, નાથીબા શાળા, સેન્ટ મેરી સ્કૂલ, પી. એસ. પટેલ શાળા, સરસ્વતી શિશુ મંદિર તેમજ અન્ય સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં સત્રના પ્રથમ દિવસે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. શાળા સ્ટાફ દ્વારા માસૂમ બાળકોને કુમકુમ તિલક કરીને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ દિવસે નિયમ મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી થોડી પાંખી જોવા મળી હતી.શાળાના મેદાનમાં આજે એક અનોખો અને મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. એક તરફ, પ્રથમ વખત શાળાએ પગ મૂકનારા નાના ભૂલકાઓ માતા-પિતાથી દૂર થતાં રડતા જોવા મળ્યા હતા, જેમને સાચવવા અને શાંત રાખવા માટે શિક્ષકો ભારે મથામણ કરી રહ્યા હતા. જ્યારે બીજી તરફ, જૂના વિદ્યાર્થીઓ લાંબા સમય પછી પોતાના મિત્રોને મળતાં ભારે હર્ષ અને ઉલ્લાસમાં દેખાતા હતા. રિસેસ દરમિયાન બાળકો મેદાનમાં કિલ્લોલ કરતાં અને વેકેશનમાં માણેલી મજાની વાતો એકબીજા સાથે શેર કરતાં નજરે પડ્યા હતા.સત્રના પ્રથમ દિવસે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને પ્રાર્થના કરી હતી. ઈશ્વર આરાધના બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ કરાયો હતો.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા