logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની મેયર દ્વારા સમીક્ષા બેઠક

સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અગમચેતીના ભાગરૂપે શહેરભરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ કરી હતી.
બેઠક દરમિયાન મેયર એ બુકેના બદલે પુસ્તક આપી શુભેચ્છા પાઠવવાની પરંપરાને પ્રોત્સાહન આપતા કમિશનર દ્વારા તેમનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પણ પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ઇન્ચાર્જ સિટી ઇજનેર ડી.સી. ભગવાગર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગની કામગીરી અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે વિગતવાર માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે સુરત શહેર મુખ્યત્વે ત્રણ પ્રકારના પૂરથી પ્રભાવિત થાય છે. જેમાં ઉકાઈ ડેમ અને કાકરાપાર વિયરમાંથી વધારાનો ડિસ્ચાર્જ, તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે આવતું પૂર તેમજ ખાડી વિસ્તારમાં ભારે વરસાદ અને સમુદ્રની ભરતીના કારણે સર્જાતી બેકવોટર અસરનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તમામ ઇનલેટ ચેમ્બર, સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને જાળવણી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત વોટર લોગિંગ માટે સંવેદનશીલ વિસ્તારોની સફાઈ તથા કાચી-પાકી ગટરોની જાળવણી પણ હાથ ધરવામાં આવી છે.
ખાડી સફાઈ અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં ૯પ,પ૦૮ મીટર અને બીજા તબક્કામાં ૮પ,૬૯૮ મીટર ખાડીઓની સફાઈ કરવામાં આવી છે. સાથે જ ખોદકામ કરાયેલા રસ્તાઓનું રિસ્ટોરેશન અને માર્ગ સમારકામની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઝડપી રોડ પેચવર્ક માટે બે હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
ફ્લડગેટ્સનું ઓવરહોલિંગ તથા જરૂરી મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ડ્રેનેજ અને હાઇડ્રોલિક વિભાગ દ્વારા એચ.ટી./એલ.ટી. કનેક્શન, સ્વીચયાર્ડ, ટ્રાન્સફોર્મર અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોની પ્રિ-મોન્સૂન તપાસ અને જાળવણી પણ પૂર્ણ કરાઈ છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં તાત્કાલિક નિકાલ માટે વિવિધ ડી-વોટરિંગ પંપોની વ્યવસ્થા કરવામાં આવી છે. જળવિતરણ મથકો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ પમ્પિંગ સ્ટેશન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પણ સંવેદનશીલ ઇલેક્ટ્રિકલ સાધનોની પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાઈ છે.
ગાર્ડન વિભાગ દ્વારા ૧૪૫ રૂટ પર આવેલા ૬૧૨૫ વૃક્ષોનું ટ્રિમિંગ તેમજ ૬૭૫ જોખમી વૃક્ષોનું હેવી ટ્રિમિંગ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન વૃક્ષ પડવાની ઘટનાઓને પહોંચી વળવા માટે રાત્રિ દરમિયાન વિશેષ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
ટી.પી. વિભાગે શહેરની ૬૫૧ જર્જરિત મિલકતોને નોટિસ આપી છે. જેમાંથી ૭૯ મિલકતોનું સમારકામ કરવામાં આવ્યું છે, જ્યારે ૪૬૫ જોખમી મિલકતો દૂર કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ ૧ જૂન ૨૦૨૬થી ચોમાસાના અંત સુધી મધ્યસ્થ કચેરી તથા તમામ ઝોનમાં ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. ફાયર વિભાગના ૨૫૦ કર્મચારીઓ ને વોટર રેસ્ક્યુ તાલીમ આપવામાં આવી છે, જ્યારે શહેરની વિવિધ કોલેજોના ૯૦૦ વિદ્યાર્થીઓને પૂર બચાવ અંગે તાલીમ અપાઈ છે.
શહેરને ખાડીપૂરથી બચાવવા માટે રચાયેલી ખાડીપૂર સમિતિ દ્વારા નિયમિત બેઠકો યોજી લાંબા અને ટૂંકાગાળાના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત AI અને વિશિષ્ટ સર્વે ટેક્નોલોજીના ઉપયોગથી ખાડી નજીકના વિસ્તારોમાં ભરતી સમયે પાણી ભરાવાની સ્થિતિ અંગે વધુ ચોક્કસ આગાહી મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
મેયર એ વરસાદી જાળીયાની સફાઈ બે તબક્કામાં પૂર્ણ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહે છે તેવા વિસ્તારોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ઉભા કરવા તેમજ સ્વચ્છતા અભિયાન સાથે પ્રિ-મોન્સૂન કામગીરીને પણ જોડવા સૂચના આપી હતી.
બેઠકમાં ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, ડે.કમિશનર નિધિ સિવાચ, ડે. કમિશનર આર.બી. ભોગાયતા, નેતા શાસક પક્ષ અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ અન્ય તમામ ડે. કમિશનર, તમામ નાયબ કમિશનર, તમામ કાર્યપાલક ઈજનર, તમામ નાયબ આરોગ્ય અધિકારી, ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

0
429 views

Comment