logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજુલાના આગેવાનોએ ગાંધીનગરમાં કરી રજૂઆત

ટાઈટલ

ખેડૂતોના પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં જોરદાર રજૂઆત : મીની ટ્રેક્ટર ટોલી ટેક્સ માફી અને રાજુલામાં આરટીઓ કેમ્પની માંગ

રાજુલા તાલુકાના ખેડૂત અગ્રણી તથા બજાર નિયંત્રણ સંઘ અમદાવાદના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે કૃષિ અને સહકાર વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૌશિકભાઈ વેકરીયાને ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સ્વર્ણિમ વિભાગ ગાંધીનગર ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે રાજ્ય સરકાર દ્વારા મીની ટ્રેક્ટર અને ખેતીના સાધનોની ખરીદી ઉપર રૂ. 40 હજાર સુધીની સબસીડી આપવામાં આવે છે. ખેડૂતો હવે બળદની અછતને કારણે મીની તથા મોટા ટ્રેક્ટર આધારિત ખેતી તરફ વળી રહ્યા છે. ટ્રેક્ટર પાછળ ઉપયોગમાં લેવાતા હળ, ઓરણી, દંતાળ સહિતના સાધનોને સબસીડી આપવામાં આવે છે, પરંતુ ટ્રેક્ટર પાછળની મોટી અને નાની ટોલીના રી-પાસિંગ માટે આરટીઓમાં વસૂલાતા ટેક્સને માફ કરવાની ખેડૂતોમાં જોરદાર માંગ ઉઠી છે.

ખેડૂતોને રી-પાસિંગ માટે જિલ્લા કક્ષાએ આવેલા આરટીઓ કચેરી સુધી આશરે 150 કિલોમીટર જવું પડે છે. ત્યાં પણ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, જેના કારણે ખેડૂતોનો સમય, પૈસા અને ડીઝલનો વ્યય થાય છે. તેથી તાલુકા કક્ષાએ આરટીઓ કેમ્પ શરૂ કરવા અથવા દર 15 દિવસે તાલુકા મથકે પાસિંગ કામગીરી યોજવાની માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને રાજુલા-જાફરાબાદ વિસ્તારના ખેડૂતોને મીની ટ્રેક્ટર અને ટોલી સાથે અમરેલી સુધી જવું પડતું હોવાથી રાજુલામાં આરટીઓ કેમ્પ ફાળવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન સહકારી અગ્રણી રાજુભાઈ પડસાલા, આધુનિક ખેતીના જાણકાર પીઠાભાઈ નકુમ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને મંત્રીઓએ ખેડૂતોની રજૂઆતને હકારાત્મક રીતે સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જણાવાયું હતું.

આ ઉપરાંત જીગ્નેશભાઈ પટેલ દ્વારા અગાઉ પણ સૌની યોજનામાં ડેમ અને તળાવો ભરવા માટે પાઇપલાઇનની કામગીરી ઝડપી બનાવવા, તેમજ નવાગામ અને સરોવરડા વિસ્તારના રી-સર્વે કરીને સમાવેશ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી. કેટલાક અધિકારીઓ દ્વારા કચેરીમાં બેઠા બેઠા ખોટા સર્વે કરાયા હોવાના મુદ્દે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

જીગ્નેશભાઈ પટેલ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખેડૂતો અને ગામડાના લોકોના પ્રશ્નો લઈને મહિનામાં બે થી ત્રણ વખત ગાંધીનગર જઈને સંબંધિત વિભાગોમાં રૂબરૂ રજૂઆત કરતા હોવાનું પણ જણાવાયું હતું. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે બંને આગેવાનો સતત સક્રિય રહેતા હોવાની ચર્ચા પંથકમાં થઈ રહી છે.

0
24 views

Comment