સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 89મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 89મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
સુરત, તા. 18/05/2026:
આજે બપોરે 2:30 વાગ્યે સુરત સહકારી સંઘની ઓફિસ ખાતે શ્રી સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 89મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સહકારી ક્ષેત્રમાં જ્યાં ક્યારેક સામાન્ય મુદ્દાઓ પણ ગરમ ચર્ચાનું રૂપ લઈ લે છે, ત્યાં આ બેઠક અંત સુધી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવી નોંધપાત્ર રહી હતી.
સભામાં સંઘના વાર્ષિક હિસાબો તથા વિવિધ કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સંઘ દ્વારા આશરે રૂ. 42 કરોડનું ટર્નઓવર કરવામાં આવ્યું હોવાનું તેમજ રૂ. 11 લાખનો ચોખ્ખો નફો નોંધાયો હોવાનું જણાવાયું હતું. સંસ્થા ખેડૂતોને ખાતર સહિતની જરૂરી સહકારી સેવાઓ પૂરી પાડતી મહત્વપૂર્ણ સંસ્થા તરીકે સતત કાર્યરત છે.
મીટિંગ દરમિયાન સણીયા કણદે ગામના ખેડૂત શ્રી રોનકભાઈએ, સંઘ સંચાલિત શાકભાજી માર્કેટના સ્ટાફની અનિયમિતતાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. શરૂઆતમાં તેમની રજૂઆત તરફ પૂરતું ધ્યાન ન અપાતા વાંઝ ગામના ખેડૂત તથા સામાજિક આગેવાન શ્રી અશોકભાઈ પટેલએ ખેડૂત સભાસદને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક મળવી જોઈએ તેવી માંગણી કરી હતી.
ત્યારબાદ શ્રી કમલેશભાઈ સાંકીએ તાત્કાલિક રજૂઆત સાંભળી સંબંધિત જવાબદાર સામે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. અંતે સમગ્ર બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.