રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
પ્રાથમિક શાળા કોબા ખાતે ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ORS (ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન) બનાવવાની સરળ અને અસરકારક રીત તેમજ લૂ (હીટ સ્ટ્રોક)થી બચવા માટેના મહત્વપૂર્ણ ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવામાં આવ્યું કે શરીરમાં પાણીની માત્રા જાળવવા માટે વારંવાર પાણી, છાશ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવું ખૂબ જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન ORS પાવડરથી દ્રાવણ બનાવવાની પદ્ધતિ તેમજ ઘરેલુ ઉપાય તરીકે મીઠું અને ખાંડથી ORS બનાવવાની રીત પ્રદર્શન દ્વારા સમજાવવામાં આવી. સાથે જ લૂ લાગવાના લક્ષણો જેમ કે માથાનો દુઃખાવો, ચક્કર, વધારે પરસેવો, ઉબકા અને શરીરમાં નબળાઈ અંગે માહિતી આપી તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી.
વિદ્યાર્થીઓને બહાર નીકળતી વખતે માથું ઢાંકી રાખવું, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ તડકાથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અપનાવવા પ્રેરણા આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રાથમિક શાળા કોબાના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકમંડળનો પણ સક્રિય સહયોગ રહ્યો.