ચાણસ્મામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદ્દત પૂર્ણ થયા બાદ હવે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
ચાણસ્મામાં ચૂંટણીનો માહોલ ગરમ: ૨૧ બેઠકો માટે ૩૪ ઉમેદવારો મેદાનમાં, ક્યાંક સીધી ટક્કર તો ક્યાંક ત્રિપાંખિયો જંગ ખેલાશે. ચાણસ્મા તાલુકા પંચાયતની ૧૮ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટે ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ; ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮મીએ પરિણામ.ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. ચાણસ્મા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો મળી કુલ ૨૧ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં કુલ ૩૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.ગત શનિવારે ચાણસ્મા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષના કુલ ૫૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સોમવારે હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણી દરમિયાન, તાલુકા પંચાયતની ૧૮ બેઠકોના ૩૬ ફોર્મમાંથી ૯ ફોર્મ અમાન્ય રહ્યા હતા, જ્યારે ૨૭ માન્ય ઠર્યા હતા. તેવી જ રીતે જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટેના ૧૫ ફોર્મમાંથી ૪ અમાન્ય અને ૧૧ ફોર્મ માન્ય રહ્યા હતા. આમ, કુલ ૫૧ ઉમેદવારોના ફોર્મમાંથી ૩૮ ફોર્મ કાયદેસરના જણાયા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે એટલે કે ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. તાલુકા પંચાયતની બેઠકો પરથી બે(૨) અને જિલ્લા પંચાયતની બેઠકો પરથી બે(૨) એમ કુલ ૪ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. આ સાથે જ હવે તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પર ૨૫ ઉમેદવારો અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો પર ૯ ઉમેદવારો મળી કુલ ૩૪ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં બાકી રહ્યા છે. હવે જ્યારે ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે, ત્યારે ઉમેદવારોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. અને એડીચોટી નું જોર લગાવી ગામડાઓમાં બેઠકોનો દોર શરૂ થયો છે અને પક્ષો દ્વારા મતદારોને રિઝવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ચાણસ્મા પંથકમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ મનાય છે, પરંતુ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોની હાજરીને કારણે સમીકરણો રસપ્રદ બન્યા છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા