સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે રાજ્ય કક્ષાએ ફાયર ડ્રિલ કોમ્પિટિશનમાં ૨ ગોલ્ડ મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યું.
રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસ – ૧૪ એપ્રિલ”
તા. ૧૪મી એપ્રિલ ૧૯૪૪ના રોજ મુંબઈ ડોકયાર્ડ ખાતે વિસ્ફોટક દારૂગોળા તથા અતિ જવલનશીલ સામગ્રીથી ભરેલા બ્રિટીશ માલવાહક જહાજ એસ.એસ. ફોર્ટ સ્ટાઈકીન માં ભયંકર વિસ્ફોટ સાથે આગ લાગવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ જવાનો દેશની જનતા અને સંપત્તિના રક્ષણ માટે પોતાની જાનની પરવા કર્યા વગર શહીદ થયા હતા તેમજ ૩૦૦થી વધુ લોકો આ ઘટનાનો ભોગ બન્યા હતા.
આવી કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓમાં પોતાનું જીવન અર્પણ કરનાર શૂરવીર અગ્નિશામક જવાનોની યાદમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે ૧૪મી એપ્રિલને “અગ્નિશામક સેવા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે અને તમામ જાણીતા-અજાણીતા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
સુરત શહેર પણ આ બલિદાનોથી અજાણ નથી. તા. ૦૨/૦૧/૧૯૮૧ના રોજ ઝાંપા બજાર મકાન દુર્ઘટનામાં ૧ ફાયર ઓફિસર અને ૪ ફાયરમેન મળી કુલ ૫ જવાનો શહીદ થયા હતા. તેમજ તા. ૧૪/૧૨/૧૯૯૧ના રોજ મુકેશ ડાઈંગ મિલ, કતારગામ ખાતે થયેલ ભયાનક આગમાં ૧ ફાયર ઓફિસર અને ૧૮ ફાયરમેન મળી કુલ ૧૯ જવાનો શહીદ થયા હતા. આ શહીદોના અવિસ્મરણીય બલિદાનની યાદમાં સુરતના ચોપાટી, અઠવાગેટ ખાતે સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે ૧૪મી એપ્રિલે ફાયર જવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
આ સ્મારક ખાતે વર્ષ ૧૯૬૬માં બનાવવામાં આવેલ “મેરી વેધર” ફાયર એન્જિન સ્મૃતિચિહ્ન રૂપે સ્થાપિત છે, જે તે સમયના આધુનિક અગ્નિશામક સાધનોનું પ્રતિક છે અને ફાયર સેવા ઇતિહાસને જીવંત રાખે છે.
સુરત શહેરમાં વધતી વસ્તી, ગીચતા, ટેક્સટાઈલ માર્કેટો, લૂમ્સ અને જરીના કારખાનાઓને કારણે આગના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષે કુલ ૭,૮૦૪ જેટલા આગ-અકસ્માતના બનાવો નોંધાયા હતા તથાપિ, સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે અનેક પ્રસંગોએ પોતાની બહાદુરી અને કાર્યક્ષમતા સાબિત કરી છે. તા. ૨૩/૦૨/૨૦૨૨ના રોજ ડિવાઈન સેન્ટર, સિંગણપોર ખાતે લાગેલી આગમાં ૨૨ વિદ્યાર્થીઓને જીવના જોખમે સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. તેમજ તા. ૧૮/૧૦/૨૦૨૧ના રોજ વરેલી ગામ, પલસાણા ખાતે આવેલ વિવાહ પેકેજીંગ લિ.માં લાગેલી આગમાં ફસાયેલા ૧૨૫ કામદારોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આવી બહાદુરીપૂર્ણ કામગીરીઓ ફાયર જવાનોના અદમ્ય સાહસ, ઝડપી નિર્ણયશક્તિ અને નિસ્વાર્થ સેવાભાવનું જીવંત ઉદાહરણ છે.
આ સાથે જ, તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ “ફાયર સર્વિસ ડે” નિમિત્તે દ્વારકા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની ફાયર ડ્રિલ કોમ્પિટિશનમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં વિભાગમાંથી ૧ ઓફિસર, ૩ લીડિંગ ફાયરમેન અને ૩ ફાયરમેનની ટીમ ભાગ લેવા મોકલવામાં આવી હતી. કઠોર તાલીમ, શિસ્તબદ્ધ કામગીરી અને ઉત્તમ ટીમવર્કના આધારે આ ટીમે ૨ ગોલ્ડ મેડલ તથા ૧ બ્રોન્ઝ મેડલ મેળવી સુરત મહાનગરપાલિકાનું ગૌરવ રાજ્ય કક્ષાએ ઊંચું કર્યું છે. આ સિદ્ધિ સમગ્ર ફાયર વિભાગ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને જવાનોના વ્યાવસાયિક કુશળતા અને સમર્પણનું જીવંત પ્રતિબિંબ છે.
“રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસ” માત્ર એક દિવસ નથી, પરંતુ તે અગ્નિશામક દળના શૂરવીરોના અદમ્ય સાહસ, અવિરત સમર્પણ અને નિસ્વાર્થ ત્યાગની યાદ અપાવતો અવસર છે. આગ જેવી ભયાનક આફતો સામે લડતા ફાયર કર્મચારીઓ હંમેશા પોતાની જાનની પરવા કર્યા વગર નાગરિકોની સુરક્ષા માટે તત્પર રહે છે.
આ અવસર પર સુરત મહાનગરપાલિકા દ્વારા “ફાયર સર્વિસ વિક” ઉજવવામાં આવે છે, જેમાં એક સપ્તાહ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં રોડ શો યોજી જનજાગૃતિ કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં ફાયર વિભાગના આધુનિક સાધનોનું પ્રદર્શન, પેમ્ફલેટ વિતરણ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા માર્ગદર્શન તેમજ મોલ, શાળાઓ, હોસ્પિટલો વગેરે સ્થળોએ તાલીમ અને મૉક ડ્રિલ દ્વારા નાગરિકોને અગ્નિસુરક્ષા અંગે જાગૃત કરવામાં આવે છે.