રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
ગોલાગામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક તથા સેવાભાવી કાર્યક્રમો યોજાયા
ગોલાગામ, તા. ૦૨ એપ્રિલ ૨૦૨૬ (પ્રતિનિધિ):
ચૈત્ર સુદ પૂર્ણિમા નિમિત્તે હનુમાન દાદાના જન્મોત્સવ પ્રસંગે ગોલાગામ સ્થિત કષ્ટનિવારણ હનુમાનજી મંદિરે ભવ્ય ધાર્મિક તેમજ સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સવારે ૭:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
સમાજ સેવા હેઠળ સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના એમ.ડી. શ્રી મહાવીરસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ૧૦૦થી વધુ લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ૩૭ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ સાથે કિરણ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ પ્રેશર (BP), SpO₂, ECG, BMI અને રેન્ડમ બ્લડ શુગર (RBS) જેવી આરોગ્ય તપાસો તેમજ જનરલ ફિઝિશિયન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ કુલ ૧૨૪ લોકોએ લીધો હતો.
નેત્ર ચિકિત્સા વિભાગમાં ડૉ. મયુરભાઈ વાઘેલા દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૭૮ લોકોએ લાભ લીધો અને સારો પ્રતિસાદ મળ્યો હતો.
હોમિયોપેથીક સારવાર માટે ડૉ. ભરતભાઈ ભટ્ટ અને ડૉ. મુક્તિબેન વાઘેલા દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
વાઈબ્રન્ટ નર્સિંગ કોલેજ, માસમાના સહયોગથી ફિઝિયોથેરાપી માર્ગદર્શન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં શ્રી કમલેશભાઈ જાગાણી, ડૉ. અલ્કાબેન તાજને અને ડૉ. કોમલબેન મોદી દ્વારા હાથ, પગ અને ઘૂંટણના દુઃખાવા માટે જરૂરી કસરતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેવાઓનો લાભ ૧૩૭ લોકોએ લીધો હતો.
સાથે હનુમાન ચાલીસાના 40પાઠ કરવામા આવ્યા હતા.
અંતે, કષ્ટનિવારણ હનુમાનજી મંદિર દ્વારા આશરે ૧૭૦૦થી વધુ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને સમાજકલ્યાણના ઉત્તમ સંકલનરૂપે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.