રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ સંકટમાં: શેરડી ખેડૂતો માટે તાત્કાલિક સહાયની માંગ
સુરત/દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં સહકારી ખાંડ ઉદ્યોગ અને શેરડી ખેડૂતોની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ખેડૂત અને સહકારી આગેવાનો દ્વારા સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ માટે અપીલ કરવામાં આવી છે, જેમાં યોગ્ય ભાવ અને આર્થિક સહાયની માંગ ઉઠાવવામાં આવી છે.
અગાઉ આશરે 5 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થતું હતું, પરંતુ વધતા ખાતરના ભાવ, કમોસમી વરસાદ, ઉત્પાદન ખર્ચમાં વધારો અને નીચા ભાવને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અંદાજે 40% જેટલો ઘટાડો નોંધાયો છે. સાથે જ ડુક્કર/ભૂંડના ત્રાસથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.
ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પાંચ વર્ષ પહેલાં લગભગ 1 કરોડ મેટ્રિક ટન શેરડીનું પીલાણ થતું હતું, જે હવે ઘટીને 72.40 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. પીલાણ સીઝન પણ સમય પહેલાં પૂર્ણ થવા લાગી છે, જેના કારણે સુગર મિલોને કાચા માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ ચાલુ રહી તો અંદાજે 3 લાખથી વધુ પરિવારોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે વધતા ઉત્પાદન ખર્ચ છતાં તેમને યોગ્ય ભાવ મળતો નથી. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની MSP રૂ. 3100 રાખવામાં આવી છે, જે ખર્ચ સામે અપૂરતી ગણાય છે. રાજ્યમાં ખાંડ ઉદ્યોગ માટે રચાયેલી કમિટી પણ હજુ સુધી કોઈ અસરકારક પરિણામ આપી શકી નથી.
સાથે જ, છેલ્લા પાંચ વર્ષથી સુગર મિલોને સોફ્ટ લોન, ટર્મ લોન અને એક્સાઈઝ લોન મળતી નથી, જેના કારણે મિલોમાં લિક્વિડિટી સંકટ ઊભું થયું છે. ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા વ્યાજદર ઘટાડવામાં ન આવતા મિલો પર વધારાનો આર્થિક ભારણ આવી રહ્યો છે.
વિસ્તારમાં કાંઠા, મરોલી, કોડીનાર, તલાલા અને માંડવી જેવી અનેક સુગર મિલો બંધ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોના બાકી નાણાં અને શેર ભંડોળ અટવાઈ ગયાં છે. ત્રણ દાયકાથી વધુ સમયથી સહકારી સુગર મિલો પર લાગેલા ઇન્કમ ટેક્સનો મુદ્દો પણ હજુ ઉકેલાયો નથી.
મુખ્ય માંગણીઓ:
શેરડીના ટેકાના ભાવમાં તાત્કાલિક વધારો
સુગર મિલોને સોફ્ટ, ટર્મ અને એક્સાઈઝ લોન ફરી શરૂ કરવી
બંધ મિલોના ખેડૂતોના બાકી નાણાંની તાત્કાલિક ચુકવણી
બંધ મિલોને ફરી શરૂ કરવા માટે વિશેષ પેકેજ
ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો
સહકારી સુગર મિલો પર ઇન્કમ ટેક્સમાં રાહત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શનકુમાર એ. નાયક દ્વારા સરકારને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.