logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

એકતા અને રાષ્ટ્રભક્તિની પ્રેરણાત્મક યાત્રા
ઓલપાડ તાલુકાનાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ માણ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જ્ઞાનસભર શૈક્ષણિક પ્રવાસ

ઓલપાડ, તા. — (પ્રતિનિધિ દ્વારા):
સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના પરિપત્રને અનુસરી ઓલપાડ તાલુકાનાં ૧૧ ક્લસ્ટરની વિવિધ પ્રાથમિક શાળાઓનાં કુલ ૮૫ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ગતરોજ વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓએ કેવડીયા કોલોની ખાતે વિશ્વવિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ રોમાંચનો અનુભવ કર્યો હતો. સાથે જ સફારી પાર્કમાં પ્રાકૃતિક માહોલમાં વિચરતા વન્ય પ્રાણીઓને નિરખી વિદ્યાર્થીઓએ અનોખો આનંદ માણ્યો હતો.

બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટરો પરેશ પટેલ, રાકેશ પટેલ, મિતેશ પટેલ, તેજસ નવસારીવાલા, હર્ષદ ચૌહાણ, અશોક પટેલ, આશા ગોપાણી અને રેશ્મા પટેલે વિદ્યાર્થીઓને મુલાકાતનાં દરેક સ્થળોની મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. જેના પરિણામે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષાઈ અને તેઓએ નવી જાણકારી પ્રાપ્ત કરી.

બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલના જણાવ્યા મુજબ આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંપ, સહકાર, ભાઈચારો, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણો વિકસિત થયા હતા. વિદ્યાર્થીઓમાં નવીન માહિતી મેળવવાની ઉત્સુકતા સ્પષ્ટ જોવા મળી હતી, જે પ્રવાસના મુખ્ય હેતુને સાકાર કરતી હતી.

પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સવારના પૌષ્ટિક નાસ્તાથી લઈને બપોર અને રાત્રિના શુદ્ધ ભોજન સુધી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ રીતે આ શૈક્ષણિક પ્રવાસે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે મનોરંજનનો અનોખો અનુભવ અપાવ્યો હોવાનું પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું હતું.

23
1127 views

Comment