logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વિશ્વ કવિતા દિવસ: શબ્દો જ્યારે સંવેદનાનો અરીસો બને છે : નિલેશ શ્રીમાળી 'નીલ મેસરીઅન'

જગતભરના સાહિત્યપ્રેમીઓ અને સર્જકો માટે ૨૧ માર્ચનો દિવસ એટલે ‘વિશ્વ કવિતા દિવસ’. યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૯માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાવ્યાત્મક અભિવ્યક્તિ દ્વારા માનવતાના અવાજને બુલંદ કરવાનો અને ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે.

•કવિતા: હૃદયની ભાષા
કવિતા એ માત્ર શબ્દોની છંદબદ્ધ ગોઠવણી નથી, પરંતુ તે હૃદયની ઉર્મિઓ અને આત્માનો અવાજ છે. જ્યારે ગદ્ય થાકે છે ત્યારે પદ્ય એટલે કે કવિતા શરૂ થાય છે. એક નાનકડી અમથી પંક્તિ જે વાત કહી જાય છે, તે કદાચ હજારો પાનાના થોથા નથી કહી શકતા. કવિતામાં એ શક્તિ છે જે સમાજમાં પરિવર્તન લાવી શકે છે અને વ્યક્તિના મનને શાંતિ આપી શકે છે.

•ગુજરાતી સાહિત્યનો અમર વારસો
આપણી માતૃભાષા ગુજરાતી કવિતા ક્ષેત્રે અત્યંત સમૃદ્ધ છે. નરસિંહ મહેતાના પદોથી શરૂ થયેલી આ યાત્રા દયારામની ગરબી, નર્મદના શૌર્યગીતો, કલાપીની વેદના અને આધુનિક યુગના ગઝલકારો સુધી વિસ્તરેલી છે. આજના ભાગદોડભર્યા યુગમાં પણ યુવા પેઢી કવિતા અને ગઝલ તરફ વળી રહી છે, જે સાહિત્યના ઉજ્જવળ ભવિષ્યના સંકેત છે.

•આધુનિક સમયમાં કવિતાની પ્રસ્તુતતા
સોશિયલ મીડિયાના યુગમાં કવિતાનું સ્વરૂપ બદલાયું છે, પણ તેનો પ્રભાવ ઘટ્યો નથી. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર લખાતી બે પંક્તિઓ પણ લાખો લોકોના હૃદયને સ્પર્શી જાય છે. માનસિક તણાવના આ સમયમાં કવિતા એક 'થેરાપી' તરીકે કામ કરે છે. લખનાર માટે તે કેથાર્સિસ છે અને વાંચનાર માટે તે દિલાસો છે.

•શ્રી વિષ્ણુભાઈ પટેલ
સાહિત્ય-સમય ઈ-સામાયિક અને રોટરી ક્લબ, પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્જક-સન્માન સમારોહ અને રાજ્ય કક્ષાના કવિસંમેલનમાં મારા ગુરુ શ્રી વિષ્ણુભાઈ પટેલ (Mobile No. 9898674611) દ્વારા અપાયેલ અધ્યક્ષીય પ્રવચન, તા. 2 ફેબ્રુઆરી, 2025 ના કેટલાક મુદ્દા અહીં પ્રસ્તુત કરું છું....
•કવિ – ક્રાંતદ્રષ્ટા :
અસલમાં, કવિતાનો શિક્ષણના માધ્યમ તરીકે અને માનસિક શક્તિઓના સંવર્ધક તરીકે છેક પુરાતનકાળથી જ મોટો મહિમા થતો આવ્યો છે. રોમનો કવિને prophet (પયગંબર) કે seer (દાર્શનિક) કહેતા; ગ્રીકો એને maker કે creator (સર્જક) કહેતા. પ્લેટોનો જ પટ્ટશિષ્ય એરિસ્ટોટલ (Aristotle) પોતાના મહાનિબંધ ‘Poetics’માં કવિઓ દ્વારા કરવામાં આવતા ‘અનુકરણ’ (mimesis = imitation)ને શુષ્ક અને ગેરમાર્ગે દોરનારું નહીં પણ કલાત્મક કે સૌંદર્યમૂલક (aesthetic imitation) ગણાવીને કવિઓ અને કવિતાનો, પ્લેટોના ગંભીર આરોપો સામે, ખૂબ જ પદ્ધતિસર સુદૃઢ બચાવ કરે છે. કલાકાર પોતાની કલાકૃતિમાં “things as they ought to be” (not as they are)નું અનુકરણ કરીને પોતે કલ્પેલા એક આદર્શ વિશ્વ (Ideal World)નું સર્જન કરવાની સતત મથામણ કરતો હોય છે. વળી, કવિતા થકી શક્ય બનતું ભાવોનું વિરેચન (Catharsis) વ્યક્તિને વધારે સ્વસ્થ અને સંતુલિત બનાવે છે; બગાડતું નથી. કવિને અમસ્તો જ આર્ષદૃષ્ટા કે ક્રાંતદ્રષ્ટા નથી કહ્યો.
•સાહિત્ય – ચેતનાની ખેતી :
આપણા મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ સર્જનાત્મક સાહિત્યને ‘ચેતનાની ખેતી’ કહે છે. ઉત્તમ સાહિત્યકાર પોતાની પ્રાણવાન કૃતિઓ થકી જનસમૂહની ચેતનાને સંકોરીને સમાજનું સમુચિત અને સુયોગ્ય દિશાદર્શન કરે છે; કહો કે, સાચા અર્થમાં સમાજનો પ્રહરી બની રહે છે એ. સમર્થ કવિનો શબ્દ તો મૃતપ્રાય જિંદગીમાં પ્રાણ ફૂંકવાની ક્ષમતા ધરાવે છે. વળી, કવિતાનો ઉપદેશ એ कान्तासम्मिततयोपदेशयुजे (પ્રિયતમાના ઉપદેશ સમાન - મમ્મટાચાર્ય, ‘काव्यप्रकाश’) હોવાથી શ્રવણભોગ્ય તથા સ્પૃહણીય બની રહે છે. આંગ્લ કવિ Matthew Arnold એટલે જ તો કવિતાનું ઉજ્જ્વળ ભાવિ (‘high destiny of poetry’) ભાખતાં કહે છે, When religion has failed to sustain the hope of mankind, it is only poetry that can take its place. Poetry is superior to philosophy, science, and religion. (Essay-‘The Study of Poetry’) મહાત્મા ગાંધી જ્યારે જ્યારે ગૂંચવાઈ જતા ત્યારે ‘श्रीमद्भगवद्गीता’ને શરણે જતા, એવું એ ખુદ કબૂલે છે. “If winter comes, can spring be far behind?” જેવા સંજીવની સમા આશાવાદનો ઉદ્ગાતા Percy Bysshe Shelley (1792-1822) કવિઓને યોગ્ય રીતે જ ‘Unacknowledged Legislators of the World’ ગણાવે છે.
ચોટદાર એવો એક જ શેર સહૃદય ભાવકને માનવજાતની ભયંકર વિડંબના વિષે કેવો તો વિચાર કરતો કરી મૂકે છે, એ જોઈએ:
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સોંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. (રતિલાલ ‘અનિલ’)
વળી, ‘મરીઝ’નો આ શેર કેટલી સહજતાથી માનવધર્મ તરફ ઈશારો કરે છે, એ તો જુઓ:
બસ, એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. (‘મરીઝ’)
તો મેઘાણી યુવાનીના જુસ્સા અને તરવરાટને કેવી હૃદયસ્પર્શી વાચા આપે છે!
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. (ઝવેરચંદ મેઘાણી)
આવું સાહિત્ય સર્જવા માટે પ્રતિભા અને પરિશ્રમ બેઉ અનિવાર્ય છે. પ્રતિભાસંપન્ન સર્જકો ગજબની કોઠાસૂઝ / આંતરદૃષ્ટિ (insight / intuition) ધરાવતા હોય છે. ‘મરીઝ’, રતિલાલ ‘અનિલ’, ‘ગની’ દહીંવાલા, પન્નાલાલ, ‘દર્શક’, વગેરે જેવા અનેક સર્જકો એવા છે જેમને શાલેય શિક્ષણ ઘણું જ અલ્પ પ્રાપ્ત થયું છે, અને તેમ છતાં સાહિત્યજગતને એમની પાસેથી બહુ માતબર અને નોંધપાત્ર કૃતિઓ પ્રાપ્ત થઈ છે. Even Shakespeare was a man of very little learning. But he was a connoisseur of human nature. “He was naturally learned; he needed not the spectacles of books to read nature; he looked inwards, and found her there.” (John Dryden, The Essay of Dramatic Poesy) ‘Poets are born, not made’ કદાચ આવા શ્રેષ્ઠ સર્જકો માટે જ કહેવાયું હશે! આવી પ્રતિભામાં પરિશ્રમ ભળે પછી તો પૂછવું જ શું!

મને હંમેશા પ્રેરિત કરતા અને આત્મ વિશ્વાસ માં અભિવૃદ્ધિ કરતા મારા આદર્શ અને ગુરુ એવા શ્રી વિષ્ણુભાઈ પટેલ સાહેબના ઉપરોક્ત શબ્દો હું હંમેશા વાગોળતો રહું છું અને એ વિશ્વાસથી કહું છું કે આપને પણ આ બહુમૂલ્ય શબ્દો પ્રેરણાનું કામ કરશે.

•ઉજવણીનો સંકલ્પ
વિશ્વ કવિતા દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે સાહિત્યને જીવંત રાખવા માટે દરરોજ કોઈને કોઈ કવિની રચના વાંચીશું અને નવા સર્જકોને પ્રોત્સાહન આપીશું. છેવટે, કવિતા જ એ માધ્યમ છે જે વિશ્વને વધુ સુંદર અને સંવેદનશીલ બનાવી શકે છે.

2
494 views

Comment