માધાપર માં નારી શક્તિ મહિલા મંડળ દ્વારા મહિલા દિવસ ની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવેલ
માધાપર નારી શક્તિ મહિલા મંડળ દ્વારા મહિલા દિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી
આજે રોજ તાઃ ૫ ના માધાપર ખાતે કાર્યરત “નારી શક્તિ મહિલા મંડળ” દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિવિધ સેવાભાવી અને માનવતાભર્યા કાર્યક્રમો યોજીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજમાં સેવા, સહાનુભૂતિ અને એકતાનો સંદેશ આપતી આ પ્રવૃત્તિઓને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.
મંડળની બહેનો દ્વારા તારીખ ૧લી માર્ચના રોજ પોતાના ઘર-પરિવારથી દૂર રહી દેશની સુરક્ષા માટે સરહદ પર ફરજ બજાવતી નારી શક્તિને શુભેચ્છા મુલાકાત આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમના માટે હાથેથી બનાવેલું ઘરેલું ફરસાણ, મિષ્ટાન અને ફળો આપીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, પરિવારથી વિખુટા પડી ગયેલા અને નિજાનંદમાં જીવન પસાર કરતા ભાઈઓ અને બહેનોને પાલારા સેવાશ્રમ ખાતે જઈને તેમની પસંદગીનું ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યાં રહેલી બહેનો સાથે થોડો સમય પસાર કરીને વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી, જેથી તેમને માનસિક આનંદ મળે.
નારી શક્તિ મહિલા મંડળ દ્વારા અબોલા જીવ પ્રત્યે પણ સતત સેવા કાર્ય કરવામાં આવે છે. મંડળ દ્વારા દરરોજ અબોલા જીવને ખીચડી અને રોટલી ખવડાવવાનું કાર્ય અવિરત ચાલુ છે. ધુળેટી ના દિવસે પણ બહેનો સ્વયં દૂરના અલગ-અલગ વિસ્તારોમાં જઈ અબોલા જીવને ભોજન પીરસવાની સેવા આપી હતી.
“નારી શક્તિ”નું બીજું નામ “માતૃશક્તિ” છે તે ભાવનાને સાકાર કરતા મંડળની બહેનો દ્વારા આંગણવાડીમાં જઈ બાળકોને ઘરેથી બનાવેલો નાસ્તો પણ વિતરણ કરવામાં આવ્યો હતો.
મંડળના સ્થાપક તુષારિબેન વેકરીયાના જણાવ્યા મુજબ, આ મંડળમાં માધાપરના દરેક વિસ્તારમાંથી તથા દરેક સમાજની બહેનો એક પરિવારની જેમ જોડાયેલી છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લે છે.
મહિલા દિન નિમિત્તે યોજાયેલી આ સેવાભાવી પ્રવૃત્તિઓમાં દાતાશ્રીઓ સાથે ઉષાબેન મચ્છર, વર્ષાબેન ઉમરાણીયા, જાગૃતીબેન જોષી, વૈશાલીબેન ગરવા, ગીતાબેન કનજારિયા, દયાબેન કાપડિયા, હેતલબેન કાનડે, ગીતાબેન ગોર, અરુણાબેન જોષી, મીનાક્ષીબેન ઠક્કર, જયશ્રીબેન પટેલ, વર્ષાબેન જોબનપુત્રા, પ્રીતિબેન અઠા, પાયલબેન ઓઝા સહિત તમામ બહેનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
સમાજસેવા અને માનવતાની ભાવનાને પ્રેરણા આપતી આ પ્રવૃત્તિઓ દ્વારા “નારી શક્તિ મહિલા મંડળ”એ મહિલા દિનને સાચા અર્થમાં સાર્થક બનાવ્યો છે.