'અમદાવાદી પ્રણયના
ખાતામાં રાતોરાત 48 લાખ ક્યાંથીઆવ્યા?':
એકાઉન્ટ ભાડે લઇને સાયબર ફ્રોડના પૈસા ઠાલવવાનો ખેલ, ચીની ગેંગ કિડનેપ કરીને નેપાળમાં ગોંધી રાખે
નરોડા, અમદાવાદ.
‘પ્રણય ભાવસાર તમે જ છો?’ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની એક ટીમે નરોડા વિસ્તારમાં રહેતા ગારમેન્ટના વેપારી પ્રણય ભાવસારના દરવાજે પહોંચીને સવાલ કર્યો.
‘હા, સાહેબ. કેમ શું થયું?’
'ICICI બેંકમાં જય અંબે ગારમેન્ટના નામે એક કરંટ એકાઉન્ટ ચાલે છે. આ એકાઉન્ટ નંબર છે. આ તમારું જ ખાતું છે?’
પ્રણય ભાવસારે આંખો ઝીણી કરીને ડોક્યુમેન્ટમાં એકાઉન્ટ નંબર ચેક કર્યો, અને સહેજ ઢીલા અવાજે જવાબ આપ્યો, ‘હા, સાહેબ. આ કરંટ એકાઉન્ટ તો મારું જ છે. પણ હવે તો મેં એ બંધ કરાવી દીધું છે. પણ થયું છે શું, સાહેબ, એ તો કહો!’
‘તમારા આ એકાઉન્ટમાં ફ્રોડના રુપિયા જમા થયા છે. તમારે અમારી સાથે સાયબર ક્રાઈમની ઓફિસે આવવું પડશે.’ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટરે કડક અવાજે કહ્યું એટલે પ્રણયભાઇ ઓર ઢીલા પડી ગયા. ‘તમને ખબર છે, તમે આ એકાઉન્ટ બંધ કરાવ્યું એ પહેલાં તેમાં બે ટ્રાન્ઝેક્શનનાં થઇને48.85 લાખ રૂપિયા જમા થયા છે, એ પણ વિદેશથી!’
પ્રણયભાઈ સમજી ગયા કે હવે આખી બાઝી ખુલ્લી પડી ગઈ છે. છુપાવવામાં કશો માલ નથી. ઝાઝી કશી હા-ના કર્યા વિના તેઓ પોલીસની ગાડીમાં બેસી ગયા.
સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચ્યા પછી પ્રણયભાઇએ પોતાની આખી સ્ટોરી પોલીસ સમક્ષ છત્તી કરી, તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા. કેમ કે, તેઓ જેને એક સિમ્પલ સાયબર ફ્રોડનો કેસ માની રહ્યા હતા, તે ક્રોસ કન્ટ્રી સાયબર ફ્રોડ, હ્યુમન ટ્રાફિકિંગ, કિડનેપિંગ અને ‘મ્યુલ એકાઉન્ટ’નું આખું ભયાનક જાળ હતું!
***
:
બેંક ખાતું વાપરવા આપો, ને પૈસા મેળવો!
છેલ્લા થોડા સમયથી સમાચારોમાં તમને ‘મ્યુલ એકાઉન્ટ’ (Mule Account) નામનો શબ્દપ્રયોગ સાંભળ્યો હશે. આ મ્યુલ એકાઉન્ટ કેવી રીતે કામ કરે છે અને તેની પાછળ કેવા જોખમી ખેલ ખેલાયછે, તેનો શૉકિંગ કિસ્સો ગયા વર્ષે અમદાવાદના નરોડાથી આવ્યો હતો. તેના કેન્દ્રમાં હતા એક કપડાંના વેપારી પ્રણય ભાવસાર. શું હતી તેમની સ્ટોરી? કઈ રીતે ખુલ્લું પડ્યું એક ભયાનક ષયંત્રનું જાળું? આવો જાણીએ, દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડિજિટલ ડાકુ'ના આજના એપિસોડમાં.આરોપીઓની ઓળખ ફોટા સાથે, પ્રણયભાઈ ભોગ બનનાર હતા
:
સમન્વય પોર્ટલમાં એક ભેદી ટ્રાન્ઝેક્શન દેખાયું
કોઇની સાથે સાયબર ફ્રોડ થાય એટલે તે પોલીસ પાસે જાય અને ફરિયાદ લખાવે. જો ફ્રોડની રકમ 5 લાખ રૂપિયાથી વધુની હોય તો કેસ સાયબર ક્રાઇમ બ્રાન્ચના હવાલે થાય. પરંતુ રોજેરોજ ઘણા કિસ્સાઓમાં બદનામી, ધાક-ધમકી કે જાન છૂટ્યો ને બલા ટળી જેવાં અનેક કારણોસર ભોગ બનનારા લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.
આ કારણોસર સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ ફક્ત ફરિયાદ થાય તો તપાસ કરીએ તેના આધારે બેસી નથી રહેતો. સાયબર ક્રાઈમ પોતાની રીતે ટેક્નિકલી પણ એવા કેસો પર નજર રાખતી હોય છે જેની પર કોઈ ફરિયાદ ન થઈ હોય. આ માટે ભારત સરકારનું 'समन्वय पोर्टल' (https://jcct-i4c.mha.gov.in) કાર્યરત છે, જેના પર ભોગ બનનારી વ્યક્તિઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે. સાયબર ક્રાઇમની ટીમ તેના પર નિગરાની રાખતી રહે છે. ગયા વર્ષે મે મહિનામાં સાયબર ક્રાઈમની ટીમ ‘સમન્વય પોર્ટલ’ પર જેમાં ફ્રોડના પૈસા જમા થયા હોય તેવાં એટલે કે ફર્સ્ટ લેયરનાં એકાઉન્ટ ચેક કરતી હતી. તેમના ધ્યાનમાં આવ્યું કે ICICI બેંકના એક કરંટ ખાતામાં સાયબર ફ્રોડના કુલ મળીને 1.28 કરોડ રૂપિયા જમા થયા હતા. તે અકાઉન્ટ અમદાવાદના નરોડામાં રહેતા પ્રણય ભાવસારના નામનું હતું. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે આ રૂપિયા જમા થયાના થોડા દિવસ પછી તે અકાઉન્ટ બંધ થઇ ગયું હતું, એટલે તે ગતિવિધિ ઓર શંકાસ્પદ હતી.
સાયબર પોલીસે તેમના ઘરે જઇને પ્રણયભાઇને પોતાની ઑફિસે બેસાડ્યા અને કહ્યું, ‘યસ્સ પ્રણયભાઈ, હવે ફટાફટ બધું બોલવા માંડો. નાનામાં નાની કોઇપણ વિગત છોડશો નહીં.’
અત્યાર સુધી પોલીસ પ્રણય ભાવસાર સાથે કડક અવાજે વાત કરી રહી હતી, કેમ કે તેમને મન પ્રણય ભાવસાર સાયબર ક્રિમિનલ હતા. પરંતુ હકીકતસાવ ઊંધી હતી.
‘હું એકાઉન્ટની વિગતો આપું, એ લોકો મને પૈસા આપે’
પ્રણય ભાવસારે પોતાની સ્ટોરી કહેવાની શરૂઆત કરી, ‘સાહેબ, હું પ્રણય ભાવસાર, નરોડામાં રહું છું અને જય અંબે ગારમેન્ટના નામે મારો કપડાંનો નાનકડો બિઝનેસ હતો. પણ ધંધામાં એવી નુકસાની આવી કે મારે ધંધો બંધ કરી દેવાનો વખત આવ્યો.
મારે પૈસાની સખત જરૂર હતી.’
જાન્યુઆરી 2025ની શરૂઆતમાં તેઓ કોઈ કામકાજ માટે પોતાના અમુક ઓળખીતાઓ સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન તેમના એક ઓળખીતા મારફતે તેમનો સંપર્ક રાહુલભાઈ નામની વ્યક્તિ સાથે થયો. પછી બંને વચ્ચે કોઈ કામ બાબતે વાતચીત થતાં રાહુલભાઈએ પ્રણયભાઈનો સંપર્ક યશ યાદવ અને આરિફ સાથે કરાવી આપ્યો. બાદમાં રાહુલ, યશ અને આરિફ આ ત્રણેય લોકોની પ્રણયભાઇ સાથે ઓઢવ વિસ્તારમાં મુલાકાત થઈ.
આ મિટીંગમાં પ્રણયભાઈ સાથે એક કામ બાબતની ચર્ચા કરવાની હતી. ત્રણેય જણાએ પ્રણયભાઇને પૂછ્યું કે તમારી પાસે કોઇપણ બેંકનું એક્ટિવ કરંટએકાઉન્ટ છે? પ્રણયભાઇએ હા પાડી.
પેલા લોકોએ કહ્યું, ‘ગ્રેટ, તો તમારે કશું જ નથી કરવાનું. માત્ર તમારા ખાતાની વિગતો અમને આપવાની છે. આ ખાતામાં અમે દુબઈથી લીગલ ફંડના રૂપિયા નખાવીશું. યાદ રહે, આ રૂપિયા લીગલ ફંડના હશે, બે નંબરી નથી. તે તમારા ખાતામાં આવે કે તરત જ તમારે તે રકમ વિથડ્રો કરીને અમને પરત આપી દેવાની રહેશે. આ કામ કરવાના અમે તમને રૂપિયા પણ આપીશું.’
પહેલી જ મુલાકાતમાં બેંક ખાતાની બધી વિગતો આપી દીધી!
પ્રણયભાઇને ધંધામાં ઓલરેડી ભારે નુકસાની
ચાલતી હતી. તેઓ કામ અને પૈસાની શોધમાં હતા. અહીં તો પૈસા સામેથી એમને શોધતા આવ્યા હતા. એમને તો પોતાના તળિયા ઝાટક કરંટ એકાઉન્ટમાં થોડા સમય માટે અમુક રૂપિયા આવવા દેવાના હતા. લક્ષ્મી સામેથી ચાંલ્લો કરતી આવતી જોઇને પ્રણયભાઇએ તરત જ હા પાડી દીધી અને થોડા દિવસ પહેલાં સુધી તદ્દન અજાણ્યા એવા લોકોનેપોતાના એકાઉન્ટની તમામ વિગતો આપી દીધી. પરંતુ પ્રણયભાઇને ખબર નહોતી કે તેઓ કેવા ભયાનક ષડયંત્રનો ભાગ અને ભોગ બનવા જઈ રહ્યા છે.
‘તમારે અમારી સાથે નેપાળ આવવું પડશે, ખર્ચો બધો અમે કરીશું’
એકાઉન્ટની માહિતી મળી એટલે રાહુલ, આરિફ અને યશની ટોળકીએ પહેલાં તો ચેક કરાવ્યું કે આ બેન્ક એકાઉન્ટ ચાલુ છે કે નહીં? બેન્ક એકાઉન્ટ ચાલુ હોવાની ખાતરી થતાં આ ત્રણેય લોકોએ પ્રણયભાઈને કહ્યું કે તમારે આ કામ માટે અમારી સાથે નેપાળ આવવું પડશે. નેપાળ આવવા-જવાનો ખર્ચો ત્યાં રહેવા-જમવાનો તમામ ખર્ચો અમે ઉપાડીશું. આ તો ઓર ફાયદાનો સોદો હતો. એક તો પૈસા પણ મળવાના હતા અને ઉપરથી ફ્રીમાં નેપાળની ટુર પણ થવાની હતી!
પ્રણયભાઇએ હા પાડી કે તરત જ આરિફે તે જ દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2025 ના રોજ બીજા દિવસ માટેની 15 જાન્યુઆરીની પ્રણય અનેયશની ફ્લાઈટની નેપાળની ટિકિટ બુક કરાવી દીધી.
કનેક્ટિંગ ફ્લાઈટમાં અમદાવાદ દિલ્હી થઈને આ લોકો 17 જાન્યુઆરીએ નેપાળની રાજધાની કાઠમંડુમાં પહોંચ્યા. મુસાફરી દરમિયાન યશ મોબાઈલ પર અલગ અલગ વ્યક્તિઓ સાથે આવી રીતે બેંક ખાતાં મેળવીને તેમાં રૂપિયા નાખવાની વાતચીત કરતો હતો.
પ્રણયભાઈ પાસેથી તેમનો મોબાઈલ, ચેકબુક, ATM કાર્ડ સહીત બધું લઈ લેવાયું
‘હવે રૂમમાંથી બહાર નીકળ્યા તો જીવતા નહીં બચો’
કાઠમંડુ પહોંચ્યા બાદ યશે કોઈ બે વ્યક્તિઓને ફોન કરીને બોલાવ્યા. આ બે અજાણ્યા લોકો ગાડી લઈને મળવા માટે આવ્યા. યશે પ્રણય સાથે આ બંનેની મુલાકાત કરાવી, જેમાં એકનું નામ મનન ગોસ્વામી અને બીજાનું નામ ગૌતમ હતું. આ બંને ગુજરાતી હતા. ગુજરાતીમાં વાતો કરતા હતા. મનન અને ગૌતમ આ બંને લોકો યશ અને પ્રણયને એક હોટેલમાં લઈ ગયા. અહીં ત્રણેયને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તમારા ખાતામાં રૂપિયાની એન્ટ્રીઓનું કામકાજ ચાલશે ત્યાં સુધી તમારે આ જ હોટેલના આ જ રૂમમાં રહેવાનું રહેશે અને ક્યાંય જઈ પણ નહીં શકો.
આ દરમિયાન તેમણે પ્રણયભાઈ પાસેથી તેમની ચેકબુક, ATM કાર્ડ લઈ લીધું. આ ઉપરાંત પ્રણયભાઈનો મોબાઇલ ફોન પણ લઈ લીધો હતો કારણ કે આ મોબાઇલમાં તેમનું નેટ બેન્કિંગ ચાલુહતું અને સિમકાર્ડ તે બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ હતું.
આખા ષડયંત્રમાં એક ચાઇનીઝની એન્ટ્રી થઈ
ત્યારબાદ આ જ હોટેલમાં પ્રણયને દિવસ-રાત એક રૂમમાં પૂરી રાખ્યા. પરવાનગી વગર બહાર જવાની ના પાડી. પ્રણયને ફક્ત ખાવા પીવાનો જરૂરિયાત પૂરતો સામાન જ આપવામાં આવતો હતો. પ્રણય ભાગી ન જાય એટલે તેની દેખરેખ માટે આ રૂમની બહાર એક માણસ પણ મૂકી દેવાયો હતો. બે દિવસ બાદ મનન, ગૌતમ અને યશ સાથે એક જ ચાઈનીઝ વ્યક્તિ પ્રણયના આ રૂમમાં આવ્યો અને કરોડોના નાણાકીય વ્યવહારની વાતચીત કરતા હતા.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્ટ અને ટેકનિકલ મદદના આધારે કુલ 6 આરોપીની ધરપકડ કરી હતી
:
‘મારે પૈસા નથી જોઇતા, મને જવા દો’
હવે પ્રણયને તમામ ગતિવિધિ અતિશય શંકાસ્પદ અને કોઈ ઇન્ટરનેશનલ ગેંગનું કામ હોવાની બીક લાગી. આથી તેમણે યશને કહ્યું કે, ‘ભઈ સાબ, મારે મારા ખાતામાં કોઈ રૂપિયા લેવા નથી. મારે તમારી સાથે આવું કોઈપણ કામ કરવું નથી. તમે મને મારું એટીએમ કાર્ડ, ચેકબુક, મારું સિમકાર્ડ, મોબાઈલ ફોન બધું જ પરત આપી દો.’
સામે પ્રણયને જવાબ આપવામાં આવ્યો કે, ‘તને અહીં નેપાળ લાવવાનો ખર્ચ 50 હજાર રૂપિયા થયો છે. તું આ બધા રૂપિયા અમને પરત આપી દે એટલે તને જવા દઈએ.’ આ લોકોને ખબર હતી કે પ્રણય આ લોકોના ભરોસે જ નેપાળ આવ્યો છે. તેની પાસે એક પણ રૂપિયો નથી. એટલે તે ક્યાંથી 50 હજાર રૂપિયા આપવાનો!
આ પ્રકારની વાત કહીને પ્રણયને ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે, તને જે મિશનથી અહીં લાવવામાં આવ્યો છે એ મિશન જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તને ઘરે જવા નહીં દઈએ.
સામે પેલા ત્રણ લોકો અને અહીં પ્રણયભાઈ એકલા એટલે શું અવાજ ઉઠાવે? એટલે પ્રણયભાઈ સમજી ગયા કે અત્યારે હાલમાં અહીં ચૂપચાપ રહેવામાં જ શાણપણ છે.
‘અમને પૈસા મળી ગયા છે, છટકો અહીંથી’
પ્રણયભાઈ આ રીતે પાંચ દિવસ સુધી હોટેલના આ જ રૂમમાં ચૂપચાપ પડી રહ્યા. બાદમાં આ લોકોએ પ્રણયને 22 જાન્યુઆરી 2025ના રોજ કહ્યું, ‘તમારા ખાતામાં ગઈકાલે રૂપિયા આવી ગયા છે. હવે તમારે જ્યાં પણ જવું હોય ત્યાં જઈ શકો છો.’ પ્રણયભાઈ આવું સાંભળીને પોતાનો સામાન પેક કરીને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ ગયા. અલગ અલગ બસ બદલીને દિલ્હી પહોંચ્યા. છેલ્લે દિલ્હીથી અમદાવાદ ટ્રેન મારફતે ઘરે પહોંચ્યા.
મારા ખાતામાંથી 48 લાખની હેરફેર થઈ હતી’
અમદાવાદ પહોંચીને પ્રણયભાઈએ સૌપ્રથમ તેમના ICICI બેંક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવ્યું. તેમાં જોયું તો તેમની આંખો પહોળી થઇ ગઇ. 21 તારીખના રોજ તેમના ખાતામાં 43 લાખ રૂપિયા જમા થયા હતા! જ્યારે બીજા દિવસે એટલે કે 22 તારીખે બીજા 5 લાખ 85 હજાર રૂપિયા ક્રેડિટ થયા હોવાની બે એન્ટ્રી દેખાઈ! યાને કે 48.85 લાખ જેટલી જંગી રકમની એન્ટ્રી જોઈને પ્રણયભાઈને અંદાજો આવી ગયો કે નક્કી આ રૂપિયા ફ્રોડના જ હશે. એટલે તાત્કાલિક તેમણે ICICI બેંકમાં જઈને આ ખાતું બંધ કરાવી દીધું.
પ્રણયભાઇના ખાતામાં આવેલા રૂપિયા આરિફ, મનન, યશ, ગૌતમ અને એક ચાઈનીઝ વ્યક્તિએ વિશ્વાસઘાતથી અન્ય કોઈ રીતે મેળવ્યા હતા અને પ્રણય આ બાબતે ત્રણેય કંઈ જ જાણતો ન હતો. આ રૂપિયા મેળવવામાં તેનો કોઈ રોલ પણ ન હતો. પ્રણય ભાઈએ આ પાંચેય લોકોની તમામ માહિતી મોબાઈલ નંબર સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓને આપી દીધી.જેને ક્રિમિનલ સમજતા હતા, એ તો પીડિત નીકળ્યો!
સાયબર ક્રાઇમ સામે હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે પ્રણય ભાવસાર ક્રિમિનલ નથી, ઊલટું તેઓ તો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. એટલું જ નહીં, થોડા સમય માટે તેમનું કિડનેપિંગ પણ થયું હતું. જ્યારે આરોપીઓ કોઈક અલગ છે. એટલે સાઇબર ક્રાઇમના ACP અને PI એન. એસ. ખોખરની અંડરમાં અલગ અલગ ચાર ટીમો બનાવીને આરોપીઓના મોબાઈલ નંબર દ્વારા, ટેક્નિકલ એનાલિસિસ દ્વારા અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદ અને સુરત ખાતેથી કુલ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા.
બળજબરીથી ડિજિટલ અરેસ્ટ-સાયબર ફ્રોડનો ધંધો
આરોપીઓની કડક પૂછપરછમાં એક આંતરરાષ્ટ્રીય લેવલનું સાયબર રેકેટ સામે આવ્યું. આ લોકો ભારતના નાગરિકોને નોકરીની લાલચ આપી કમ્બોડિયાના વિઝા અપાવી કમ્બોડિયામાં ગોંધી રાખતા. તેઓના પાસપોર્ટ જપ્ત કરી તેમની મરજી વિરુદ્ધ તેમની પાસેથી બળજબરીથી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચરવા માટે મજબૂર કરતા હતા અને ભારત દેશના નાગરિકોને આ પ્રકારના સાઇબર ફ્રોડનો ભોગ બનાવતા હતા.
ગુનેગારો કરંટ એકાઉન્ટ શોધે ને પોલીસથી બચતા ફરે!
આ ગેંગ એક ચોક્કસ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હતી. આ ગેંગના લોકો ભારતમાંથી અલગ અલગ એકાઉન્ટ હોલ્ડર શોધી તેમના બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ સાયબર ક્રાઇમ ઓપરેટ કરતી વિદેશી ગેંગને આપતા હતા. આ ગેંગ ભારત અનેઅન્ય દેશોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનનાર લોકોના રૂપિયા આ એકાઉન્ટમાં નખાવતા હતા, જેથી તેમનો કોઈ રોલ સામે ન આવે.
દોઢ લાખ રૂપિયામાં એકાઉન્ટ શોધી આપતી ગેંગ
પોલીસે આ કેસમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં રાહુલ, યશ, આરિફ, મનન, ગૌતમ ઉર્ફે માર્કો અને ચિરાગ નામના આરોપીઓ હતા. આ ગેંગમાં તમામ આરોપીઓના અલગ અલગ રોલ હતી.
એકાઉન્ટ હોલ્ડર શોધવાનું કામ રાહુલ, આરિફ અને યશનું હતું. આવા એકાઉન્ટ હોલ્ડર શોધવા માટે તેમને એકાઉન્ટ દીઠ અંદાજે 1.50 લાખ રૂપિયા જેટલું કમિશન મળતું હતું.
આરોપી મનન ગોસ્વામી એકાઉન્ટ હોલ્ડરની કિટ આરિફ પાસેથી મેળવીને નેપાળના કાઠમાંડુમાં હાજર ગૌતમ ઉર્ફે માર્કોને મોકલી આપતા હતા. મનન ગોસ્વામી કમ્બોડિયામાં રહીને આ કામ કરતો હતો. આરોપી મનન ગોસ્વામી કમ્બોડિયા અને દુબઈ જેવા દેશોમાં ફરેલો છે.
આરોપી ગૌતમ ઉર્ફે માર્કો અને ચિરાગ ઢોલાએ ચાઈનીઝ આરોપીઓ સાથે મળીને પ્રણય ભાવસારને નેપાળના કાઠમંડુમાં આવેલી એક હોટેલમાં ગાંધી રાખ્યો હતો. ગૌતમ છેતરપિંડીનાંનાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને કમ્બોડિયા મોકલી આપતો હતો.
:
***
મહિલા પોલીસ અધિકારીએ કેવી રીતે કેસ સોલ્વ કર્યો?
આ કેસ ડિટેક્ટ કરનાર સાયબર ક્રાઈમનાં મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર એન. એસ. ખોખર સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, ‘ભારત सरडा२ना 'Indian Cybercrime Coordination Centre (I4C)' द्वारा समन्वय पोर्टल नाववामां આવ્યું છે. આ પોર્ટલ પર જ્યારે નાગરિકો સાથે જે સાયબર ફ્રોડ થાય છે ત્યારે ફરિયાદી 1930 પર કોલ કરીને ફરિયાદ કરે. જેમ કે, કોઈ ભોગ બનનારના ખાતામાંથી જે ખાતામાં ફ્રોડના રુપિયા ગયા હોય તે ખાતાની માહિતી આ પોર્ટલ પર ઉપલબ્ધ હોય છે. પહેલા ખાતામાં જે રુપિયા ગયા હોય તેને ‘ફર્સ્ટ લેયરનું એકાઉન્ટ’ કહેવામાં આવે છે. આ ખાતામાંથી અન્ય એકાઉન્ટમાં રુપિયા ગયા હોય તો તેને ‘સેકન્ડ લેયરનું એકાઉન્ટ’ કહેવાય છે. સાયબર ક્રાઈમ સમયાંતરે આ સમન્વય પોર્ટલપર તમામ લેયરનાં એકાઉન્ટ ચેક કરતી હોય છે. આમાં અમદાવાદ સાયબર ક્રાઈમ સમન્વય પોર્ટલ પર આવા જ ફર્સ્ટ લેયરના એકાઉન્ટ ચેક કરતી હતી તે દરમિયાન પ્રણય ભાવસાર નામના વ્યક્તિનું કરંટ એકાઉન્ટ મળી આવ્યું હતું. આ કરંટ એકાઉન્ટમાં ફ્રોડના રુપિયા ટ્રાન્સફર થયા હતા. અમે આ એકાઉન્ટ હોલ્ડર પ્રણય ભાવસારને પૂછપરછ માટે બોલાવ્યા તો જાણવા મળ્યું કે, આ પ્રણય ભાવસાર પોતે ભોગ બનનાર હતા. તેમને નેપાળ લઈ જઈને ગેરકાયદેસર રીતે ગોંધી રખાયા હતા. જે બાબતે અમે તે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. ગુનાની તપાસ કરતાં અમે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી.’
કમ્બોડિયાથી ચાલતું ફેક કૉલ સેન્ટર
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, પ્રણય ભાવસારના ખાતામાં જે ફ્રોડના રુપિયા આવ્યા હતા તે રુપિયા કમ્બોડિયા સ્થિત ચાલતા કોલ સેન્ટરના હતા. આ કોલ સેન્ટર ચાઈનીઝ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ કોલ સેન્ટરમાં ભારતીય નાગરિકોને ડિજિટલ અરેસ્ટ દ્વારા અથવા ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા કે પછી અન્ય કોઈ રીતે છેતરીને રુપિયા પડાવવામાં આવે છે. આ રુપિયા પ્રણય ભાવસાર જેવા લોકોનાં એકાઉન્ટ ભાડે લઈને તેમાં મંગાવવામાં આવે છે. આ રુપિયા કમ્બોડિયા મોકલવા માટે આખી એક ચેઈન કામ કરતી હોય છે. જેમાં પ્રણય ભાવસાર જેવા લોકોને થોડા રુપિયાની લાલચ આપીને તેના ખાતામાં આવેલા ફ્રોડના રુપિયા ઉપાડીને આંગડિયા મારફતે અલગ અલગ જગ્યાએ મોકલી USDT ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને કમ્બોડિયા મોકલવામાં આવે છે.
આવા તો કેટલાય સાયબર પીડિતો છે...
તપાસ કરતાં ખબર પડી કે, આ લોકોએ પ્રણય ભાવસાર સિવાય આવા અન્ય લોકોના એકાઉન્ટમાં પણ ફ્રોડના રુપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાંથી પાર્થ ગોપાણી નામના આરોપી સામે સાતથી આઠ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. આ કેસમાં હાલમાં કેટલાક આરોપીઓ જામીન પર બહાર છે, જ્યારે કેટલાક આરોપીઓ હજી પણ જેલમાં છે. સાતથી આઠ ગુના અલગ અલગ
પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા.