logo

ભારતમાલા ટોલ પર ફાયરિંગ કરી ભય ફેલાવનાર અમરત ઠાકોર પાસા હેઠળ જેલભેગો

પાટણ એલ.સી.બી.ની કડક કાર્યવાહી, રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલાયો રીઢા ગુનેગાર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ ભારતમાલા ટોલ-ટેક્સ પર ફરજ બજાવતા કર્મચારીઓ પર હથિયાર વડે ફાયરિંગ કરી વિસ્તારમાં દહેશત ફેલાવનાર રીઢા ગુનેગાર અમરત ઉર્ફે ભોલો સોનાભાઈ ઠાકોર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીને ગુજરાત પાસા કાયદા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરત ઉર્ફે ભોલો સોનાભાઈ બાવાભાઈ ઠાકોર (ઉંમર 30 વર્ષ, રહેવાસી – નવાગઢ, તા. સાંતલપુર) દ્વારા સાંતલપુર ખાતે આવેલા ભારતમાલા ટોલ-ટેક્સ પર જાહેર જનતા અને ટોલ કર્મચારીઓ પર ગેરકાયદેસર હથિયાર વડે ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી.

દિવસ દરમિયાન બનેલી આ ઘટનાના કારણે ટોલ પર ફરજ બજાવતા કર્મચારીઓમાં ભય ફેલાઈ ગયો હતો તેમજ ટોલ પર થોડા સમય માટે કામગીરી પણ અસરગ્રસ્ત બની હતી.

આ ગંભીર ઘટનાને પગલે પાટણ જિલ્લામાં હથિયારોનો ઉપયોગ કરી જાહેર શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને પાટણ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પી.સી.સી. સેલ દ્વારા આરોપીના સમગ્ર ગુનાહિત ઇતિહાસની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી અમરત ઠાકોર અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે.

તેની સામે સાંતલપુર તથા રાધનપુર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

ઉપરાંત સમી અને સાંતલપુર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તથા આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.

આરોપીનું નામ લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાને ખોરવતા તત્વ તરીકે પોલીસ રેકોર્ડમાં નોંધાયેલું હતું.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પી.સી.સી. સેલ પાટણ દ્વારા ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ (પાસા) હેઠળ અટકાયત માટે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્તની સમીક્ષા કરી આરોપીની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો.

આ હુકમ મળતાં જ પાટણ એલ.સી.બી.ના અધિકારીઓ અને કર્મચારીઓએ આરોપીને શોધી કાઢી ઝડપી કાર્યવાહી કરી પકડી લીધો હતો.

ત્યારબાદ જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જાહેર જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવા ગુનાહિત તત્વો સામે કડક પગલાં લેવાશે અને જિલ્લામાં દહેશત ફેલાવનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

હાલ આરોપીને આગળની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

1
1864 views