logo

NH-6 / NH-53 પર વાંઝ ગામ પાસે ખુલ્લી ગટરલાઇન બન્યું અકસ્માતનું કાયમી સ્થળ – ટ્રેક્ટર ખાડામાં ધસી જવું તંત્રની બેદરકારીનો જીવતો પુરાવો


NH-6 (હાલનું NH-53) પર વાંઝ ગામ પાસે આવેલ બ્રીજ નજીક ગટરલાઇનનું ઢાંકણ ન હોવાના કારણે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે. ખુલ્લી ગટરલાઇનમાં ભરેલું ટ્રેક્ટર ખાડામાં ધસી જવાનું દૃશ્ય તંત્રની નિષ્ફળતા અને બેદરકારીને ખુલ્લેઆમ ઉજાગર કરે છે.
આ વિસ્તાર વેપારી દુકાનો, રહેણાંક મકાનો અને સતત અવરજવરવાળો હોવાથી અહીં બાળકો, પગપાળા લોકો, બાઈકસવાર અને વાહનચાલકોને દરરોજ જીવના જોખમે પસાર થવું પડે છે. ગટરલાઇન પર ન ઢાંકણ છે, ન ચેતવણી બોર્ડ છે અને ન કોઈ સુરક્ષા વ્યવસ્થા. અકસ્માત થાય પછી જ તંત્ર જાગે એવી સ્થિતિ અહીં રોજબરોજની બની ગઈ છે.
ટોલટેક્સ વિભાગ વાહનચાલકો પાસેથી નિયમિત રીતે ફી વસૂલ કરે છે, પરંતુ રોડ, ગટરલાઇન, ડ્રેનેજ અને જાહેર સુરક્ષા માટેનું મેન્ટેનન્સ જાણે કોઈની જવાબદારી જ ન હોય તેમ અવગણવામાં આવી રહ્યું છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ટોલટેક્સ વ્યવસ્થા માત્ર રૂપિયા ગણવામાં વ્યસ્ત છે, જ્યારે રસ્તા પર જનજીવન જોખમમાં મૂકાયું છે.
સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ ન આવવો એ તંત્રની ધીમી ગતિ અને ઉદાસીન વલણ દર્શાવે છે. જો તાત્કાલિક ગટરલાઇન પર મજબૂત ઢાંકણ મૂકીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવે અને કોઈ મોટી જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ટોલટેક્સ વિભાગ તથા હાઇવે ઓથોરિટી પર રહેશે.
આમ જનતા દ્વારા તાત્કાલિક પગલાં, જવાબદારી નક્કી કરવા અને કાયમી મેન્ટેનન્સ કરવાની કડક માંગ ઉઠી રહી છે.

38
2188 views