logo

કચ્છમાં ૭ ઓકટો.ની મધ્યરાત્રિથી એસ.ટી.ના પૈૈડા થંભી જશે

ભુજ । ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ દ્વારા કામદારના પ્રશ્નોનો નિકાલ આવે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને સંચાલકને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપ્યા બાદ પ્રશ્નોનો નિકાલ ન આવતાં કામદારો હડતાળ પર ઉતરશેની ચેતવણી અપાઈ હતી.

જેમાં ૭ ઓકટો. સુધીમાં નિરાકરણ ન આવે તો ૭મીની મધ્યરાત્રિએ એસ.ટી.ના પૈડા થંભાવી દેવાની ચીમકી આપવામાં આવતા કચ્છના ૩પ૬ શીડયુઅલ પર એસટી બસના પૈડા થંભી જશે.ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં કામદારોએ કોરોનાકાળ દરમ્યાન દિવસ-રાત જોયા વગર જીવના જોખમે ગુજરાતના ગામડાના લોકોને પહોંચાડ્યા છે. પરંતુ તેમના પડતર પ્રશ્નોને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી કોઈ નિકાલ આવ્યો નહતો. આથી પડતર પ્રશ્નો મામલે કર્મચારીઓએ વિવિધ કાર્યક્રમો સાથેના આંદોલન અંગેનું આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કામદારના પ્રશ્નોનો નિકાલ ન થતાં ૨૯મી સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી રીશેષ સમયમાં તમામ કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરશે. ત્યારબાદ ૪ ઓક્ટોબરથી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી રીશેષ સમયમાં તમામ કર્મચારીઓ સ્વયંભૂ જોડાઈને ઘંટનાદ કરશે. જો કે આ કાર્યક્રમ બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ૭ ઓક્ટોબરની મધ્યરાત્રી ૧૨ કલાકે એટલે કે ૮ ઓક્ટોબરના રોજ તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર જતા રહેશે અને આંદોલન કરશે. જેના પગલે એસટી બસના પૈડા બંધ થતાં મુસાફરોને હાલાકી ભોગવવાની શક્યતા ઉભી થશે. આ બાબતે કચ્છમાં એસટી યુનિયન સાથે સંકળાયેલા આગેવાનોએ જણાવ્યું કે, રાજયકક્ષાએથી અપાયેલા એલાન મુજબ આંદોલનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આગામી ૭મી ઓકટોબરની મધ્યરાત્રીથી કર્મચારીઓ કામગીરીથી અડગા થઈ જશે. જેમાં જિલ્લાના તમામ એટલે કે, ૧૪૦૦ જેટલા એસટી કર્મચારીઓ કર્મચારીઓ જોડાશે, જેને પગલે ૩પ૬ શીડયુઅલ પર એસટી બસોના પૈડા થંભી જશે.

0
14655 views