
સુરત મહાનગરપાલિકા દ્વારા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનશીપ ધોરણે રીડેવલપમેન્ટ હેઠળ સાકારિત આંજણા ટેનામેન્ટનું લોકાર્પણ.
આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ''શહેરી વિકાસ વર્ષ-ર૦રપ'' અંતર્ગત રાજય સરકારશ્રીની જાહેર આવાસોનો પુનઃવિકાસ (રીડેવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીંગ) યોજના-ર૦૧૬ના અમલીકરણના ભાગરૂપે ટી.પી. નં.૦૭ (આંજણા), ફા.પ્લોટ નં.૯૮ ખાતે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનશીપ ધોરણે રીડેવલપમેન્ટ હેઠળ સાકારિત આંજણા ટેનામેન્ટના ૪૧૬ ટેનામેન્ટના અને લોકાર્પણ અને કોમ્પ્યુરાઇઝડ ડ્રો કેન્દ્રીય મંત્રી જળશકિત, ભારત સરકાર સી. આર. પાટીલના વરદૂહસ્તે આંજણા ટેનામેન્ટ, એચ.ટી.સી. માર્કેટ સામે, સુરત ખાતે સંપન્ન કરવામાં આવેલ.
આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીઓને હવા-ઉજાશ વાળા ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રકચરના બિલ્ડીંગો, સી.સી. રોડ, લીફટ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગાર્ડન તેમજ એરીયા ડેવલપમેન્ટ અને ફાયર ફાઇટીંગની સુવિધા, ધાબાના ભાગનો પ૦% વિસ્તાર સોલાર પેનલથી કવર કરવામાં આવે છે. તેના કારણે કોમન સર્વિસીસ માટે લાભાર્થીઓને ખર્ચાનું ભારણ ઓછું થઇ શકે અને લાભાર્થીઓ દ્વારા વપરાશ કરવામાં આવેલ પાણી ટ્રીટમેન્ટ કરી ફરી ઉપયોગમાં લઇ શકાય તે માટેનો ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધાઓનો લાભ મળશે.
આ પ્રોજેકટ અંતર્ગત આવાસોનું બાંધકામ માયવન પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજીથી કરવામાં આવેલ છે. માયવન ટેકનોલોજીમાં મોનોલિથિક માળખું આપનાવવામાં આવે છે. જેમાં સિસ્ટમ દિવાલો અને સ્લેબને આર.સી.સી.થી એક સાથે કાસ્ટ કરે છે, પરિણામે એક, મજબૂત અને સમાન કોંક્રિટ માળખું બને છે. જેનાથી ઝડપ વધે છે, પરીણામે બાંધકામ ના સમયને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે, કેટલાક સ્ત્રોતો પરંપરાગત પદ્વતિઓની તુલનામાં ૭૦% સુધીના ઘટાડાનો દાવો કરે છે. આ ટેકનોલોજીથી ઉચ્ચ ગુણવત્તાની ચોકસાઇવાળા એલ્યુમિનિયમ ફોર્મવર્કના ઉપયોગના કારણે શ્રેષ્ઠ સરફેસ ફીનીશીંગ અને વધારે ચોકસાઇ મળે છે અને તેની ઝડપ અને ફોર્મવર્કની ઉચ્ચ પુનઃઉપયોગીતાને કારણે તે મોટા પાયે પ્રાજેકટૂસ, ખાસ કરીને સામૂહિક આવાસ માટે વધુ ખર્ચ-અસરકારક બની શકે છે તથા તે વધારાના કાચા માલની જરૂરીયાત ઘટાડે છે અને વધુ પર્યાવરણને અનુકૂળ બની શકે છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન. મેયર દક્ષેશભાઇ માવાણીએ જણાવ્યું હતું કે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મધ્યમ વર્ગના પરિવારોને સન્માન પૂર્વક અને સુવિધા સભર જીવન મળે એ માટે દેશભરમાં મોટી સંખ્યામાં આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે વર્ષ ર૦૦પમાં સુરતમાં સ્લમનુ પ્રમાણ 20% હતું અને આજે એ ઘટીને પાંચ ટકાની નીચે આવી ગયું છે. ભવિષ્યમાં આદરણીય સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સુરત શહેરને સ્લમ ફ્રી સીટી બનવાની દિશામાં મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. આંજણા ટેનામેન્ટમાં પાણી સપ્લાય, ડ્રેનેજ, ગેસલાઇનનું સંપૂર્ણ નેટવર્ક, ફાયર સિસ્ટમ, આરસીસી રસ્તાઓ, લિફ્ટ, જનરેટર, આકર્ષિત પ્રવેશદ્રાર, કમ્પાઉન્ડ, હોલ, વોચમેન કેબીન, જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે ઉદબોધન કરતાં કેન્દ્રીય મંત્રી જળશકિત, ભારત સરકાર સી.આર.પાટીલે જણાવ્યુ માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આ દેશની અંદર દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોવું જોઈએ અને એ પણ સુરત જેવા શહેરમાં જ્યારે પોતાનું ઘર બનતું હોય ત્યારે એમના જીવનનું ખૂબ મોટું સપનું પૂર્ણ થતું હોય છે અને એટલે જ માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં એક પણ વ્યક્તિ પોતાના ઘર વગરનો ન રહી જાય એના માટેના સંકલ્પ સાથે આગળ વધીને રૂ.૦૪ કરોડ નવા મકાનો બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ૩૦,૦૦૦ જેટલા મકાનો બનાવીને ફાળવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં બીજા પ૦,૦૦૦ જેટલા મકાનો તૈયાર કરીને આપવાના છે. આ એક ભગીરથ કામ માટે સુરત મહાનગરપાલિકા જે સંકલ્પ સાથે આગળ વધી રહી છે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્લમ ડેવલોપમેન્ટનો પ્રથમ પ્રોજેકટ સુરતે પૂર્ણ કર્યો છે અને આ બીજો પ્રોજેકટ છે. જૂના મકાનોની કિંમત સાત આઠ લાખ રૂપિયા થી પણ ઓછી હતી. આ મકાનોની કિંમત આજે રૂ.૨૨ લાખ થી રૂ.૨૩ લાખની છે. સુરત મહાનગરપાલિકા ઝીરો સ્લમ તરફ આગળ વધી રહી છે. વર્ષ ર૦ર૬ પૂર્ણ થાય ત્યાં સુધીમાં સુરત શહેરને ઝીરો સ્લમ બનાવવા સુચવ્યું હતું. દેશમાં સેોથી પહેલી સુરત મહાનગરપાલિકા ઝીરો સ્લમ બને એવી અપેક્ષા વ્યકત કરી હતી. સુરતના શેરીજનો જે રીતે વિકાસના કામોમાં સહયોગ કરે છે એ માટે પણ સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. વધુંમાં સ્વચ્છતા ક્ષેત્રે મેળવેલ સિઘ્ધિ માટે પણ સુરત મહાનગરપાલિકાના સફાઇમિત્રોને-અધિકારીશ્રીઓને શહેરીજનોને અભિનંદન આપ્યા હતા. સફાઇમિત્રોની મહેનતના કારણે શહેર સ્વચ્છ બન્યું છે. સફાઇકર્મીઓ માટે શહેરીજનોએ રૂ.૧૦ કરોડ રકમ માન.કમિશનરશ્રીને આપી છે. નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાની બે નગરપાલિકા ગણદેવી અને બીલીમોરાના સફાઈકર્મીઓ માટે પણ પાંચ કરોડ રૂપિયાની મદદ કરી છે. આવું અમલીકરણ ફકત સુરતીઓ કરી શકે તે માટે અભિનંદન આપ્યા હતા. જળસંચય જનભાગીદારી થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જળસંચય માટે ૩૧ મે ર૦રપ સુધી સુધીમાં દસ લાખ સ્ટ્રકચર બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને ૩૫ લાખ સ્ટ્રકચર હમણાં સુધી પૂરા કરતા આગામી ચોમાસા સુધી આખા દેશમાં એક કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. મનરેગા યોજના દ્વારા અલગ અલગ જિલ્લા કલેક્ટરશ્રીઓને રૂ.૩ર હજાર કરોડ જળસંચયની કામગીરી માટે ઉપયોગ કરવા માટે ફાળવેલ છે. જળસંચયની આવશ્યકતા છે નદીમાં પાણી વહી જાય એના પહેલા અને જમીનમાં ઉતારી દઈએ પાણીનું લેવલ ઉંચું આવે અને આપણી જરૂરિયાતો સંતોષાય. વધુમાં શહેરીજનોને પોતાની સોસાયટીમાં પણ જળસંચય કરવા જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ જળસંચય ભાગીદારી અભિયાનમાં વિશ્વમાં છઠ્ઠા નંબર અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી રૂ.૦ર કરોડનું ઇનામ મેળવ્યું છે. તેમજ સુરત કલેકટરશ્રીને પણ રૂ.૦ર કરોડનું ઇનામ મળ્યું છે. નવસારી જીલ્લાને પણ રૂ.પ૦ લાખનું ઇનામ મળ્યું છે. આમ જળસંચયની કામગીરીને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદૂહસ્તે ટેનામેન્ટના લાભાર્થીઓને ચાવી વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, નેતા શાસક પક્ષ શશીબેન ત્રીપાઠી, દંડક શાસક પક્ષ ધર્મેશભાઇ વાણીયાવાલા, વિવિધ સમિતિના અઘ્યક્ષઓ, મ્યુ.સદસ્યઓ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.